દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની પોલીસે ગઈકાલે વિદેશી દારૂ અંગે નોંધપાત્ર કાર્યવાહી કરી, બે શખ્સો દ્વારા કરવામાં આવતી વિદેશી દારૂની પ્રવૃત્તિમાં કુલ રૂપિયા 8.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં જામજોધપુર તાબેના સખપર ગામના શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામની ગૌશાળા પાસે પસાર થતી જી.જે. 16 બી.એન. 7717 નંબરની મારુતિ બ્રેઝા મોટરકારને પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાની બાતમીના આધારે કોર્ડન કરી લેવામાં આવી હતી.
આ મોટરકારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 120 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 48 હજારની કિંમતના વિદેશી દારૂ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની મોટરકાર તેમજ રૂપિયા 5,500 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,53,500ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા ભોરા ભોજા જામ (ઉ.વ. 24) અને ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં રહેતા સાજા દેવાણંદ શાખરા (ઉ.વ. 52) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
દારૂનો આ જથ્થો કબજે લઈ, પોલીસે આરોપીઓની સધન પૂછપરછ કરતા પીપળીયા ગામે રહેતા આરોપી ભોરા ભોજા જામ દ્વારા તેની વાડીમાં આવેલા એક મકાનની પાછળના ભાગે છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 65 પેટી કબજે લેવામાં આવી હતી. જેમાં રૂ. 3.12 લાખની કિંમતની વિદેશી દારૂની વધુ 780 બોટલ પોલીસ કબ્જે કરી હતી.
દારૂનો આ જથ્થો જામજોધપુર તાલુકાના સખપર ગામના રાજુ રબારી નામના પાસેથી મેળવ્યો હોવાનું પણ ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આમ, ખંભાળિયા પોલીસે આ દરોડાની કાર્યવાહીમાં કુલ રૂપિયા 8,65,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી, પ્રોહી. એક્ટ મુજબ સખપર ગામના રાજુ રબારીને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ તથા સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા, મહિદીપસિંહ જાડેજા, ભરતભાઈ જમોડ, કિરીટસિંહ રાઠોડ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.