આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને પતંગ કઈ રીતે ચગાવવી તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો કે રસ્તા ઉપર એકત્ર થઇને પતંગ ચગાવી શકાશે નહી.
ઉપરાંત ઘર કે એપાર્ટમેન્ટના ધાબા પર લાઉડ સ્પીકર, ડીજે સિસ્ટમ કે અન્ય કોઈ મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. માત્ર સોસાયટીના કે એપાર્ટમેન્ટના લોકો જ ધાબા પર માસ્ક લગાવી સોશિયલ ડીસટન્સ નું પાલન કરી પતંગ ચગાવી શકશે. માર્ગદર્શિકામાં વયસ્કો અને બાળકોને તથા સગર્ભા સ્ત્રીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ જગ્યાએ નિયમોનો ભંગ થશે તો સોસાયટીના હોદ્દેદારો જવાબદાર રહેશે. તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ઉતરાયણના દિવસે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમજ ડ્રોન અને સીસીટીવી મારફત નજર રાખવામાં આવશે.