હાલની ઋતુમાં સાનુકુળ વાતાવરણીય પરિસ્થિતિને કારણે મચ્છરોનાં ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા હોય છે. જેને અનુલક્ષીને જતુજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસોમાં વધારો થવાની પુરતી શક્યતા રહેલી હોય છે. આ રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે કમિશનરનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા હસ્તક આવેલા મેલેરિયા વિભાગ તથા 12 આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા જેમાં વાહકજન્ય રોગ નિયંત્રણમાં રહે તે હેતુથી પ્રત્યેક યુ.એચ.સી. પર વેક્ટર કંટ્રોલ ટીમ તથા સર્વેલન્સ લગત સ્ટાફ દ્વારા શહેરમાં અઠવાડિક ધોરણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે. તા.12-09-2022 થી તા.18-09-2022 દરમ્યાન શહેરમાં 47572 જેટલા ઘરોની મુલાકાત લીધી હતી. અંદાજીત 206013 જેટલી વસ્તીને આવરી લેવામાં આવી હતી. જેમાં 292697 જેટલા મચ્છર ઉત્પતિ સ્થાનો(પાત્રો)ની તપાસ કરેલ જેમાંથી 2184 જેટલા પાત્રો પોઝીટીવ મળેલ જેમાંથી 792 જેટલા પોઝીટીવ પાત્રોને નાશ કરવામાં આવેલ તેમજ અન્ય પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કર્યો હતો. આમ, મચ્છર ઉત્પતિ અટકાયત અંગેના નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ તાવનાં કેસ શોધી યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
શહેરમાં નોંધાતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફીવર સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. આ કેસોથી બચવા માટે શહેરના નાગરિકોને નીચે જણાવ્યા મુજબ પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો. નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો. મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો. મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરો. સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે. તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો.