જામનગર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અગનગોળા વરસાવતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જામનગર શહેરમાં સીઝનનું સૌથી ઉંચુ તાપમાન 40 ડિગ્રી પહોંચી જતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતાં તો બીજી તરફ લૂ વર્ષાને પરિણામે બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ બન્યા હતાં અને અંગ દઝાળતી ગરમીને પરિણામે બાળકોથી લઇ મોટેરાઓમાં પરેશાનીનું મોજુ ફરી વળ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે અને આજે હિટવેવની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું હતું. અંગ દઝાળતી ગરમીના પરિણામે બપોરના સમયે માર્ગો સુમસામ બનતા જોવા મળ્યા હતાં. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 83% તથા પવનની ગતિ 9.7 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ હતી.
જામનગરમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી લૂ વર્ષાને પરિણામે નગરજનો અકળામણનો સામનો કરી રહ્યા છે. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે હાલારમાં ઉનાળામાં પણ મહદઅંશે વાતાવરણ ખુશનુમા રહેવાની સાથે શહેરીજનો ઠંડકનો અહેસાસ કરતા હોય છે. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર ગુજરાતની માફક જામનગર શહેરમાં પણ તાપમાનનો પારો ઉંચકાયો છે. ગઈકાલે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી રહ્યા બાદ સતત બીજા દિવસે તાપમાનનો વધારો થતા મહતમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. છેલ્લાં બે દિવસમાં અંદાજિત 5 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાતા શહેરીજનો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થયા છે. જેના પરિણામે બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ બનતા જોવા મળી રહ્યા છે.
જામનગર પણ રાજ્યના અન્ય શહેરોની માફક 40+ ની કલબમાં પ્રવેશ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી બચવા આઈસ્ક્રીમ, ગોલા, તરબુચ, સરબતો, શેરડીનો રસ સહિતની ખાણીપીણીની ચીજો તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત ગરમીથી બચવા મોડીરાત્રે તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક જેવા હળવા ફરવાના સ્થળે પણ ઉમટી રહ્યા છે તેમજ જામ્યુકો સંચાલિત સ્વીમીંગ પુલમાં પણ ન્હાવાની મજા માણી રહ્યા છે.