ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે તાજેતરમાં રહેણાંક મકાનમાં ખાતર પાડી તસ્કરો દ્વારા ચોરી કરાયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ સંદર્ભે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની ભાળ મેળવી, એલસીબી પોલીસને આ પ્રકરણનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક પરિવારના બંધ મકાનમાં ગત સપ્તાહમાં ઘરફોડ ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આ અંગે સાધન કાર્યવાહી કરી, સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા તથા મશરીભાઈ આહિરને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાનાઆસોટા ગામના રહીશ લખન ભાવેશભાઈ રામાવત નામના 20 વર્ષના યુવાનને દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા ઉપરોક્ત શખ્સે આ ચોરીની કબૂલાત કરી, રૂ. ચાલીસ હજાર રોકડા તથા રૂપિયા 28,600 ની કિંમતનો સોનાનો એક ચેન તથા રૂપિયા 22,990 ની કિંમતનો વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 91,590 નો મુદ્દામાલ કાઢી આપ્યો હતો.
આથી પોલીસે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, કોરોના ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી માટે એલ.સી.બી. પીઆઈ. જે.એમ. ચાવડાની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર અને પી.સી. સિંગરખીયા તથા એ.એસ.આઈ. દેવશીભાઇ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.