ભારત પહેલીવાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ચેન્નાઈમાં 3થી 12 ઑગસ્ટ સુધી થશે. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સની તૈયારીના રૂપમાં કામ કરશે.
ચેન્નાઈએ છેલ્લે 2007માં આંતરરાષ્ટ્રીય હોકી ટૂર્નામેન્ટની મેજબાની એશિયા કપના રૂપમાં કરી હતી. એ સમયે અહીંનું રાધાકૃષ્ણન સ્ટેડિયમ ભારતીય ટીમ માટે ભાગ્યશાળી સાબિત થયું જેણે ફાઈનલમાં કોરિયાને 7-2થી હરાવીને ટ્રોફી જીતી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ વખતના ચેમ્પિયન ભારત ઉપરાંત ગત ચેમ્પિયન દક્ષિણ કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને ચીનની ટીમો ભાગ લેશે. જો કે આયોજકોનું કહેવું છે કે, પાકિસ્તાને અત્યાર સુધી પોતાની ભાગીદારી અંગે સ્પષ્ટતા કરી નથી. આયોજકોએ કહ્યું કે, જો પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં ભાગ લ્યે છે તાો તેને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. ચીન અને પાકિસ્તાન 25 એપ્રિલ સુધી પોતાની ભાગીદારી અંગેની જાહેરાત કરશે. હોકી ઈન્ડિયા (એચફાઈ) ના મહાસચિવ ભોલાનાથ સિંહે કહ્યું કે, હોકી ઈન્ડિયાના અધિકારીઓએ પહેલાંથી જ ચેન્નાઈમાં આયોજન સ્થળનું નિરીક્ષણ કરી લીધું છે અને ટૂર્નામેન્ટની તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે.