ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે તાપમાનમાં પણ બે થી ત્રણ ડીગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. જેના પરિણામે તાપમાન 40 ડીગ્રી વટાવી જશે.
આજે 14મી માર્ચથી 17 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે. રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આજે 40 ડીગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો જામનગરમાં પણ આજે 34 ડીગ્રી તાપમાન છે જેમાં ગઈકાલ કરતાં બે ડીગ્રીનો વધારો થયો છે. હજુ પણ તાપમાન વધશે. હવામાન વિભાગ દ્વારા મોરબી,રાજકોટ,પોરબંદર,ભાવનગર,અમરેલી અને કચ્છ સહીતના જીલ્લાઓમાં 17 માર્ચ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. બાદમાં તાપમાનમાં 2ડીગ્રી સુધી ઘટાડો થવાની સંભાવનાઓ છે.
હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સામાન્ય રીતે હોળીના તહેવાર બાદ ગરમી શરુ થતી હોય છે પરંતુ આ વખતે હોળી પહેલા જ રાજ્યના લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી બે દિવસમાં આકાશ સ્વચ્છ રહેવાથી રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન વધશે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.