વડાપ્રધાન જામનગર આવી રહ્યાં છે. જેને લઇ જામનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. જામનગર શહેરમાં વડાપ્રધાનના રોડ-શોના રૂટ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરમાં પીએમની સુરક્ષામાં પાંચ એસપી, 11 ડીવાયએસપી, 35 પીઆઇ સહિતનો પોલીસ કાફલો ખડેપગે રહેશે.
જામનગરમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને સભા અર્થે વડાપ્રધાન જામનગર આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષા અને સ્વાગતમાં કોઇ કચાસ ન રહે તે માટે છેલ્લા એક સપ્તાહથી વહીવટી તંત્ર તેમજ પોલીસ કર્મચારીઓ દિવસ-રાત એક કરી તૈયારીમાં લાગ્યા છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ દ્વારા શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ શરુ કરાયું છે. વડાપ્રધાનના રોડ-શોના રૂટ, સભાસ્થળ તેમજ રાત્રી રોકાણના સ્થળે પોલીસ કાફલો સ્ટેન્ડ ટુ રહ્યો છે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં આઇજી સંદીપસિંઘ તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જુદા જુદા જિલ્લાના પાંચ એસપી, 11 ડીવાયએસપી, 35 પીઆઇ, 70 પીએસઆઇ, પોલીસ કર્મચારીઓ, એસઆરપીના જવાનો, હોમગાર્ડ જવાનો સહિતના કાફલાને વિવિધ જવાબદારીઓ સોંપાઇ છે. પ્રદર્શન ગ્રાઉન્ડથી સભા સ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. તેમજ કેમેરાનું 24 કલાક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં એસપીજીના વડા રાજીવ રંજન ભગતની દેખરેખ હેઠળ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વડાપ્રધાનના રાત્રી રોકાણને ધ્યાને લઇ સાત રસ્તાથી ટાઉનહોલ સુધીનો રોડ ઉપર વાહન વ્યવહાર પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.