ડિપોઝિટ પર ઉંચા વળતરની લોભામણી સ્કિમ આપી ડિપોઝિટ મેળવ્યા બાદ વ્યાજ સહિતની રકમ પરત નહીં આપનાર યુનિક સવ્યમ મલ્ટિસ્ટેટ મલ્ટિપરપશ કો. ઓપ. સોસાયટી સામેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં ગ્રાહક સુરક્ષા કમિશને વળતર સહિત ફરિયાદીને રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે.
જામનગરના અશોકસિંહ બી. જાડેજાએ યુનિક સવ્યમ મલ્ટિસ્ટેટ મલ્ટિપરપશ કો. ઓપ. સોસાયટીની ઉંચા વળતરની સ્કિમની જાહેરાત વાંચી રકમ જમા કરાવી હતી. જે સામે સોસાયટી તરફથી અશોકસિંહને ડિપોઝિટ સર્ટિફીકેટ આપવામાં આવ્યું હતું. દરમિયાન અશોકસિંહને નાણાની જરુરીયાત ઉભી થતાં તેમણે પોતાની રકમ પરત માગી હતી. જે માટે સોસાયટીના જણાવ્યા અનુસાર ડિપોઝિટની રસિદ પણ જમા કરાવી હતી. પરંતુ લાંબો સમય વિતી જવા છતાં કો. ઓપરેટીવ સોસાયટી તરફથી અશોકસિંહને તેની રકમ પરત નહીં આપવામાં આવતાં તેમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વકીલોની દલીલો બાદ આ ફરિયાદ ચાલી જતાં ફોરમના પ્રમુખ ડી.એ. જાડેજા તથા સભ્ય જે.એચ. મકવાણાએ ફરિયાદીની અરજી મંજૂર કરી તેમને ડિપોઝિટની રૂા. 10.92 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવવા તથા ફરિયાદ ખર્ચ અને વળતર પેટે રૂા. 13 હજારની રકમ ચૂકવવા કો.ઓપરેટીવ સોસાયટી સામે હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મયૂર ડી. કટારમલ રોકાયા હતાં.