Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતસરકારે ચૂંટણી સુધી માલધારીઓ સામે હથિયાર હેઠા મૂકયા

સરકારે ચૂંટણી સુધી માલધારીઓ સામે હથિયાર હેઠા મૂકયા

દિવાળી સુધી કાર્યવાહી નહીં કરવાની ભાજપના પ્રદેશ પ્રમુખની ખાતરી બાદ માલધારી સમાજનું આંદોલન સ્થગિત

- Advertisement -

રઝળતાં ઢોર મુદે રાજય સરકાર ચારે તરફથી ઘેરાઇ હોય તેવો ઘાટ ઘડાયો છે. એક તરફ રઝળતાં ઢોરની સમસ્યા દૂર કરવા સરકાર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ચૂંટણીને કારણે ઢોર માલિકો અને માલધારીઓ સામે કડક પગલાં લેતાં સરકાર ખચકાઇ રહી છે. આટલું ઓછું હોય તેમ ઢોરના ત્રાસની સતત વધી રહેલી ઘટનાઓ અને અદાલતની સતત ફટકારને કારણે સરકારની હાલત સાપે છછૂંદર ગળ્યાં જેવી થઇ જવા પામી છે. ચૂંટણી સમયે સરકાર કોઇપણ સમાજને નારાજ કરવા માગતી ન હોય માલધારીઓ સામેની કાર્યવાહી દિવાળી સુધી મોકૂફ રાખવાની ખાતરી આપતાં માલધારીઓનું આંદોલન પણ મોકૂફ રાખવાની જાહેરાત માલધારી સમાજના આગેવાનોએ કરી છે. માલધારી સમાજના આંદોલનમાં શુક્રવારે હકારાત્મક સમાધાન નીકળ્યું હતું. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને દિવાળી સુધી તબેલા નહીં હટાવવા માટે ખાતરી આપતા સમાજના આગેવાનોએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. રખડતા ઢોરના મુદ્દે વહીવટી તંત્રની આખરી કાર્યવાહી ને પગલે સુરતમાં જંગે ચઢેલા માલધારી સમાજે શુક્રવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સુરત ઓફિસે એક કલાક સુધી મીટિંગ કરી હતી અને દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે તેવી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું છે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. મીટિંગની ચર્ચાનો નિષ્કર્ષ એવો નીકળ્યો હતો કે, સી.આર. પાટીલ દ્વારા સરકારમાં દરખાસ્ત મૂકીને ડિમોલિશનની કામગીરી બંધ કરાવવામાં આવશે સમાજના આગેવાનો અને ધર્મગુરૂઓની હાજરીમાં આંદોલન સમેટી લેશે.

- Advertisement -

રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટના આકરા વલણ પછી સુરત પાલિકાએ ગેરકાયદે તબેલાઓ દૂર કરી તેમાંથી પશુઓને કબજે લઈ પાંજરાપોળમાં પુરવાનું અભિયાન શરૂ કરાયું હતું. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આંદોલનમાં શુક્રવારે પણ સવારે માલધારી સમાજે વિરોધ કર્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામના ડભોલી વિસ્તારમાં તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. માલધારીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવા જેવા કાર્યક્રમો પણ આપ્યા હતા. શુક્રવારે માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારા વિરોધ પ્રદર્શનમાં સાધુ-સંતો પણ જોડાયા છે.દૂધરેજના મહારાજ આવ્યા બાદ અન્ય સંતો વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આગળ આવ્યા છે. જો કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પણ વાત ચર્ચામાં મૂકી હતી. ચર્ચા અને રજૂઆતોને આધારે પ્રદેશ અધ્યક્ષ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, દિવાળી સુધી કોઈપણ તબેલાઓ હટાવવામાં નહીં આવે. વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા કરીને તબેલાઓ શહેરમાંથી બહાર ખસેડવા અંગે નક્કર નીતિ બનાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular