દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનથી છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ કુદરતી આપત્તિથી હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશામાં મોટાભાગના મોત થયા છે. આ ત્રણેય રાજ્યો હાલમાં કુદરતી કેરનો સામનો કરી રહ્યાં છે. ઓડિશામાં નીચાળવાણા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ થઇ છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સેંકડો ગામો તબાહ થયા છે. માટીના ઘરો ધોવાઈ ગયા છે અને સડકો પર પાણી ભરાઈ ગયા છે અને રોડ તૂટી ગયા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હિમાચલપ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલથી લાપતા થયેલા પાંચ લોકોનો રવિવારે પણ કોઇ પતો મળ્યો ન હતો. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 22 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સૌથી વધુ નુકસાન મંડી, કાંગરા અને ચંબા જિલ્લામાં થયું છે. હિમાચલપ્રદેશમાં શનિવારે વાદળો ફાટવાની ઘટના પછી અનેક પરિવારો બાગી અને ઓલ્ડ કટોલા વિસ્તારમાં પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પહોંચ્યા હતા. શોધી અને તારાદેવી નજીક આવેલા સોનૂ બંગલામાં ભૂસ્ખલ બાદ શનિવાર સાંજે શિમલા-ચંદીગઢ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જોકે હવે હાઇવે પર વાહનોની અવરજવરને છૂટ આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તરાખંડના દહેરાદૂન, ટિહરી અને પૌડી વિસ્તારામાં બચાવ દળોએ રવિવારે પણ શોધખોળ અને રાહત અભિયાન ચાલુ રાખ્યું હતું.
આ વિસ્તારોમાં 24 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ દહેરાદૂન, પોડી અને ટિહરીમાં શનિવારે ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ચાર લોકોના મોત થયા હતા અને 12 લોકો લાપતા બન્યા હતા. ઓડિશાના બાલાસોર અને મયૂરગંજ જિલ્લા વહીવટીતંત્રે સુવર્ણરેખા અને વૈતરણી નદીમાં આવેલા પૂરનો સામનો કરવા માટે નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગે લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉથી ભારે વરસાદને કારણે મહાનદીમાં પૂર આવેલું છે. ઓડિશાના બાલાસોર અને મયૂરગંજ જિલ્લાના સત્તાવાળાએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ વિસ્તારની મુખ્ય બે નદીઓ સુવર્ણરેખા અને વૈતરણી નદીઓ વોર્નિંગ લેવરથી ઉપર વહી રહી છે. આ બંને જિલ્લામાં એનડીઆરએફ, ઓડીઆરએએફ અને ફાયર સર્વિસની 58 રેસ્ક્યુ ટીમોને તૈનાત કરવામાં આવી હતી.