દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ બપોરથી છવાયેલા ઘટાટોપ વરસાદી માહોલ બાદ આજરોજ સાંજે વરસાદના જોરદાર ઝાપટા સતત વરસી જતા શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. માત્ર એકાદ કલાકના સમયગાળાના બે ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા તાલુકામાં આજરોજ 52 મિલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 1408 મિલીમીટર નોંધાયો છે. અહીંના રામનાથ સોસાયટી વિસ્તારના માર્ગ પર થોડો સમય પાણી ભરાઈ ગયા હતા.
ખંભાળિયા શહેર તથા આસપાસના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યાના વાવડ છે. ખેતરોમાં મગફળી તથા કપાસના ઉભા મોલ માટે આશીર્વાદરૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. જોકે હજુ બે-ત્રણ દિવસ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.