દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે રાત્રિના સમયે કલ્યાણપુરમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ, ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર જિલ્લાના કાલાવડમાં એક ઈંચ, જામજોધપુરમાં પોણો અને લાલપુર તથા જામનગર શહેરમાં અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે રાત્રે વરસી ગયેલા મુશળધાર વરસાદ બાદ ગઈકાલે શુક્રવારે દિવસ દરમિયાન ગરમી ભર્યામાહોલ પછી સાંજે સાડા છ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે રાત્રિના નવેક વાગ્યા સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતા ગત રાત્રે કલ્યાણપુરમાં વધુ સાડા ત્રણ ઈંચ (85 મીલીમીટર), ભાણવડમાં વધુ દોઢ ઈંચ (40 મીલીમીટર) અને ખંભાળિયામાં વધુ સવા ઈંચ (31 મીલીમીટર) જ્યારે દ્વારકા તાલુકામાં માત્ર ત્રણ મીલીમીટર પાણી વરસી ગયું હતું.
ગઈકાલે શુક્રવારે સાંજથી વીજળીના ભયાવહ કડાકા ભડાકા અને ગાજવીજથી ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ગત સાંજે આકાશી વીજ ત્રાટકના કારણે કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામમાં બે ભેંસ તથા ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે એક ભેંસના મૃત્યુ નિપજયાના અહેવાલો સાંપળ્યા છે. આમ, ગઈકાલે વીજળીના ભયાવહ કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે લોકોએ ભાદરવે ઘેરા અષાઢી માહોલનો અનુભવ કર્યો હતો. આ વર્ષે સૌથી વધુ ખંભાળિયા તથા દ્વારકામાં મોસમનો 143 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં પણ 100 ટકા અને ભાણવડ તાલુકામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 79 ટકા સુધી વરસી જવા પામ્યો છે. ગતરાત્રિના વરસી ગયેલા વરસાદ બાદ વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે પણ સવારથી ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ હાશકારાનો અનુભવ કર્યો હતો. ગત રાત્રે લાંબો સમય વીજ પુરવઠો ખવડાઈ જતા ખંભાળિયાના નગરજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા અને તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી.
જામનગર જિલ્લામાં શનિવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન કાલાવડમાં એક ઈંચ અનેે જામજોધપુરમાં પોણો ઈંચ પાણી વરસ્યું હતું અને લાલપુર તથા જામનગર શહેરમાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો.