દુનિયાના સૌથી ઠંડા પ્રદેશોમાં ગણાતા એન્ટાર્કટિકામાં ભીષણ ગરમીએ અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યુનોએ માન્યું છે કે એન્ટાર્કટિકા મહાદ્વીપ ઉપર ગયા વર્ષે પારો 18.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. યુનોના વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે છ ફેબ્રુઆરી 2020ના એન્ટાર્કટિકા વિસ્તારમાં સ્થિત આર્જેન્ટિના ઈસ્પરેન્ઝા શોધ સ્ટેશને તાપમાન 18.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
ઓર્ગેનાઈઝેશનના મહાસચિવ પેટ્ટારી તાલ્સે કહ્યું છે કે મહત્તમ તાપમાનના રેકોર્ડની પુષ્ટિ જરૂરી હતી કારણ કે હવામાન અને જળવાયુ અંગે તેનાથી વ્યાપક સમજ વિકસે છે. પેટ્ટારીએ કહ્યું હતું કે, એન્ટાર્કટિકા વિસ્તાર ધરતીના સૌથી ઝડપથી ગરમ થઈ રહેલા વિસ્તારમાંથી એક છે. છેલ્લા 50 વર્ષમાં એન્ટાર્કટિકાનો પારો 3 ડિગ્રી વધ્યો છે. આ માટે ગ્લોબલ વોર્મિંગ સાથે તાપમાનમાં થઈ રહેલા ફેરફારનું સતત પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ અગાઉ નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરે ચેતવણી આપી હતી કે એન્ટાર્કટિકા ધરતીના અન્ય હિસ્સાની તુલનાએ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. એન્ટાર્કટિકામાં બરફના રૂપમાં એટલું પાણી જમા છે જે ઓગળતા દુનિયાભરમાં સમુદ્રનું જળસ્તર 200 ફૂટ સુધી વધી શકે છે.