જામનગરથી માટેલ ધામની પદયાત્રા માટે નીકળેલા એક સંઘમાં સેવા આપવા માટે ગયેલા નગરના એક યુવાનનું પદયાત્રીઓની સેવા કર્યા પછી ડી.જે. પર રાસ-ગરબા રમ્યા બાદ એકાએક હ્રદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે. જેથી પદયાત્રીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
દેશભરમાં છેલ્લાં થોડાં વર્ષોથી 30 થી 50 વર્ષની ઉંમરના યુવાનોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હાલના આધુનિક યુગમાં માનસિક તણાવ આવા બનાવો પાછળ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઘણાં ફિલ્મસ્ટારોના પણ નાની વયમાં જ મોત નિપજયાની ઘટનાઓ બની ગઈ છે. ત્યારે જામનગરના યુવાનનું પદયાત્રી સંઘમાં સેવા આપ્યા બાદ ડી.જે.ના તાલે ગરબા રમ્યા પછી હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યાની ઘટનાની વિગત મુજબ જામનગરમાં શાક માર્કેટ નજીક ધનબાઈ ના ડેલા પાસેથી બે દિવસ પહેલાં નીકળેલો પદયાત્રા સંઘ માટેલ તરફ જવા નીકળ્યો હતો. આ સંઘ ગઈકાલ જામનગર થી મૂળ બંગાવડી ગામ લતીપર ટંકારા હાઈવે પાસે આવેલ સેવા કેમ્પમાં પહોંચ્યો હતો, જયાં જામનગરથી સેવા આપવા માટે પહોંચેલા મહેશભાઈ ચૌહાણ (ઉ.વ.42) નામના યુવાનનું ડી.જે. પર રાસ ગરબા રમ્યા બાદ તેને થોડું અજુગતું લાગતાં કેમ્પમાં વિશ્રામ કર્યો હતો.
જે દરમિયાન એકાએક ચક્કર આવી જતાં યુવાન બેશુદ્ધ બન્યો હતો. આથી તાત્કાલિક નજીક ના લતિપર આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં હાજર રહેલ સેવાભાવી લોકો તેમજ મિત્ર મંડળ દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો, અને ત્યાંથી વધુ સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાંજ દમ તોડ્યો હતો અને ફરજ પરના તબીબે મહેશ ચૌહાણને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈને પદયાત્રીઓમાં અને તેના મિત્ર વર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
છેલ્લા ઘણાં સમય થયા ગુજરાત સહિત સમગ્ર ભારત ભરમાં નાની વયના યુવક યુવતીઓ ને હાર્ટએટેક આવવાના બનાવવામાં એકાએક વધારો જોવા મળી રહયો છે. જ્યારે ફરી પાછું ગઈકાલે જામનગરના ખવાસ જ્ઞાતિના મહેશ ચૌહાણ નામના યુવાનને હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થવાથી ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહેશ ચૌહાણના મૃતદેહને ગઈકાલે બપોર બાદ જામનગરમાં લઈ આવ્યા પછી તેઓની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પણ તેના મિત્ર વર્તુળ અને પરિવારજનો તથા જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શોકમગ્ન વાતાવરણ વચ્ચે તેની અંતિમયાત્રા નીકળી હતી.