જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલને એસીબી એ રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દોલતસિંહ હેમંતસિંહ જાડેજા એ ફરિયાદી પાસેથી જૂગારનો કેસ ન કરવા માટે રૂા.10 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જામનગરની એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો. આરોપી એ ફરિયાદી ઉપર પંદરેક દિવસ પહેલાં વર્લીમટકાના જૂગારનો કેસ કર્યો હતો. જે બાબતે આરોપીેએ ફરિયાદી ઉપર બીજો કોઇ કેસ નહીં કરવા અને ફરિયાદીના પત્ની ઉપર ખોટો કેસ નહીં કરવા 10 હજારની લાંચ માંગી હતી. શનિવારે સાંજના સમયે ચેતક ટ્રાવેર્લ્સ નજીક મીગ કોલોનીના ખૂણા પાસે એસીબીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન એસીબી રાજકોટના વી.કે. પંડયાના સુપરવીઝન હેઠળ જામનગર એસીબીના પીઆઈ એન.આર. ગોહિલ સહિતના સ્ટાફે દોલતસિંહ હેમંતસિંહ જાડેજાને રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં અને આરોપીને ડિટેઈન કરી આગળની તપાસ હાથ ધરી હતી.