જામજોધપુર ગામમાં મીની બસ સ્ટેન્ડ પાસે મકાનના મજૂરી કામ દરમિયાન મકાનની છતમાંથી પાણી ટપકતું હોવાથી પ્રથમ વખત થોડું પાણી ટપકે તેમ જણાવતા શ્રમિક યુવાન ઉપર શખ્સે લાકડી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં આંબેડકરચોક વિસ્તારમાં રહેતો અને સેન્ટીંગ કામ કરતાં મુળજીભાઇ સોમાભાઈ મકવાણા નામના શ્રમિક યુવાને બેરીસ્ટર ચોકમાં રહેતાં ઋષિત નટવરલાલ ઉર્ફે જીણા ઘરસંડિયાના મકાનનું મજૂરી કામ રાખ્યું હતું. આ મકાનના કામ દરમિયાન છતમાંથી પાણી ટપકતું હોવાથી ઋષિતે મુળજીભાઈને ફરિયાદ કરી હતી. જેથી પ્રથમ વખત થોડું પાણી ટપકે ? તેમ મુળજીભાઈએ જણાવ્યું હતું. આ બાબતનો ખાર રાખી ગત તા. 29 ના રોજ સાંજના સમયે મીની બસ સ્ટેન્ડ પાસે મુળજીભાઈને આંતરીને ઋષિતે લાકડીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી અપમાનિત કરી હુમલો કર્યાના બનાવમાં શ્રમિક યુવાનના નિવેદનના આધારે ડીવાયએસપી દ્વારા ઋષિત વિરૂધ્ધ એટ્રોસિટી અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.