રૂ.352 લાખના ખર્ચે હર્ષદપુરથી મોખાણા સુધીના 10 કિલોમીટરના માર્ગનું રિસર્ફેસીંગ તથા રૂ.85 લાખના ખર્ચે ઢીચડાથી ખારા બેરાજા સુધીના રોડના કામનું રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડની મંજૂરી મળતાં વિસ્તારના લોકોની લાંબા સમયની માગણી સંતોષાઈ છે.સરકાર હંમેશા વિકાસને વરેલી છે અને તેથી જ ખેડૂત, ખેતી તેમજ ગામડાના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સરકાર શક્ય તમામ પ્રયાસો હાથ ધરી રહી છે. સરકાર દ્વારા તાજેતરમાં ખાતર, પાક ગોડાઉન, વીજળી સહિતની યોજનાઓમાં સબસીડીમાં વધારો કરી ખેડૂતોને રાહત પૂરી પાડી છે. અતિવૃષ્ટિ દરમિયાન પણ સમગ્ર જામનગર તાલુકામાં સહાયની રકમમાં વધારો કરી સરકાર આફતના સમયે લોકોની પડખે ઊભી રહી છે. આ તકે મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમજ ખેતી સાથે પશુપાલન વ્યવસાયનો ઉમેરો કરવા અંગે પણ સૂચન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે નવા વર્ષની શરૂઆત વિકાસના કાર્યો થી થઈ છે તેનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકાસના મંત્રને વરેલી આ સરકારે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસની ગતિને અટકવા દીધી નથી. આ તકે સાંસદએ વધુમાં ઉમેર્યું હતું કે વિકાસના કાર્યો કરવા તેમજ લોકોના પ્રશ્નોને વાચા આપવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્તવ્ય છે તેમજ નાગરિકોની લાગણીના કારણે જ જનપ્રતિનિધિનો અવાજ વધુ બને છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કુમારપાલસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ, નાથાભાઇ, જમનભાઈ, કોર્પોરેટર જસુબા ઝાલા, હર્ષાબેન રાજગોર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.