દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓનલાઇન ફ્રોડ તેમજ સોશિયલ મીડિયાના કારણે થતી હાલાકીના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા છે. જે સંદર્ભે જે-તે આસામીની કથિત બેદરકારી તેમજ જાગૃતિના અભાવ સાથે સાયબર ગઠીયાઓની ચાલાકીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ દ્વારા પગેરું મેળવીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી મહિલાઓની થતી પજવણીના ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ ખાસ લક્ષ્ય કેળવી અને આ મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે માટે સાયબર સેલ વિભાગે આ પ્રકારના ગુનાઓનો મહદ અંશે ભેદ ઉકેલની કાઢ્યો છે.
ત્યારે ખંભાળિયામાં થોડા સમય પૂર્વે એક સગીર વિદ્યાર્થીની સાથે સંબંધ કેળવવા માટે તેની સાથે શાળામાં અભ્યાસ કરતા કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા સાથી સહાધ્યાયી વિદ્યાર્થીનીનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ નજરે પડતા આ કિશોરે ફરિયાદી સગીરાને મળતું આવતું ઈન્સ્ટાગ્રામનું ફેક એકાઉન્ટ બનાવી કાઢ્યું હતું. આ ફેક આઈ.ડી.માંથી સગીરાના ફોટાને પ્રોફાઇલ ફોટા તરીકે રાખી, આ ફેક આઈ.ડી.ના મેસેન્જર મારફતે આ કિશોરે તેણીને બિભત્સ મેસેજ કર્યા હતા. આટલું જ નહીં, ફરિયાદી સગીરાના સગા-સંબંધીઓને પણ તેને મેસેજ કરવા ઉપરાંત સગીરા પાસે અવારનવાર બિભત્સ માંગણીઓ પણ કરી હોવાનો સમગ્ર બનાવ ખંભાળિયાના પોલીસ દફતરે નોંધાયો હતો. જે અંગે પોલીસે આઈ.ટી. એક્ટ, પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં કાયદાથી સંઘર્ષિત કિશોરને ડીટેઇન કરી લીધો હતો.
આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. મનવીરભાઈ ચાવડા, ધરણાતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી તેમજ મુકેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરતા જિલ્લાના લોકોને આ મુદ્દે સાવચેત રહી, વિવેકપૂર્વકનો ઉપયોગ કરવા તેમજ બ્લેક મેઈલ કે ઓનલાઈન ફ્રોડના બનાવમાં સ્થાનિક પોલીસ અથવા સાયબર સેલ વિભાગનો સંપર્ક સાધવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે.