જામનગર શહેરમાં દાંડિયા હનુમાન મંદિરની દિવાલને અડીને આવેલી હનુમાન ગેઇટ પોલીસચોકી હટાવવાને બદલે પોલીસ તંત્ર દ્વારા તેનું રિનોવેશન કરવામાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે. શહેરની ડીપી યોજના અંતર્ગત આ પોલીસચોકી દૂર કરીને રસ્તો પહોળો કરવાનો થાય છે. આ માટે વર્ષોથી પોલીસતંત્રને નોટિસ પણ આપી દેવામાં આવી છે. એટલું જ નહીં જામનગર મહાપાલિકા દ્વારા હનુમાન ગેઇટ ચોકી માટે અંબર ચોકડી પાસે વૈકલ્પિક જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. તેમ છતાં કોઇપણ કારણોસર પોલીસતંત્ર દ્વારા હનુમાન ગેઇટ ચોકી ખાલી કરવા સામે ઉંહકારા… કરવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં આવેલી પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેઇટ ચોકી, નાગનાથ ચોકીનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. પરંતુ એકમાત્ર હનુમાન ગેઇટ ચોકીનો મામલો લગભગ એક દાયકાથી લટકી રહ્યો છે. જામ્યુકોના તંત્રને પણ આ બાબતે જરા પણ રસ હોય તેમ જણાતું નથી. હજુ ગઇકાલે જ જામનગર આવેલાં રેન્જ આઇજી સમક્ષ જામ્યુકોના સત્તાધિશો આ મુદો મૂકીને તેનો ઉકેલ લાવી શકયા હોત. બીજી તરફ આ પોલીસ ચોકી ખાલી કરવામાં પોલીસતંત્ર આનાકાની કરતૂં હોય તો શહેરના બન્ને ધારાસભ્યો રાજ્યકક્ષાએ ગૃહમંત્રી સમક્ષ આ મુદો રજુ કરીને તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકે છે. પરંતુ જામ્યુકોના સત્તાધિશોને શહેરના વિવાદિત મુદાઓ લટકતાં રાખવામાં જ રસ હોય તેમ જણાઇ રહયું છે. આ ચોકી શા માટે ખાલી કરવામાં નથી આવતી તે અંગે પોલીસતંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે. જયારે બીજી બાજુ લાંબા સમયથી જામ્યુકોએ શું કાર્યવાહી કરી તેની સ્પષ્ટતતા પણ જરૂરી બની છે. હાલ તો આ ચોકી હટાવવાને બદલે તેનું રિનોવેશન થઇ રહ્યું છે.