જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે અને ત્રીજી લહેરમાં આજે સવારે હાલારના સાંસદ અને હંમેશા લોકોની વચ્ચે રહી પ્રજાના કાર્યોમાં અગ્રેસર રહેતા પૂનમબેન માડમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે અને હોમઆઇસોલેશન થયા છે.
કોરોના મહામારીને ત્રીજી લહેરમાં મંગળવારે સાંજે રાજયમાં બીજી લહેર કરતાં પણ વધુ રેકોર્ડબ્રેક 17,000થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વકરતું જાય છે. જો કે, ત્રીજી લહેરમાં કલેકટર, કમિશનર, ત્રણ પૂર્વ મેયર અને પૂર્વ રાજયમંત્રી તથા ધારાસભ્ય હકુભા જાડેજા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે સવારે હાલારના સાંસદ પૂનમબેન માડમને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જો કે, તાવ હોવાથી હોમઆઇશોલેશન થઇ ગયા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ પરિક્ષણ કરાવવા અપીલ કરી છે.