ભારે વરસાદને કારણે દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરૂગ્રામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલ રાતથી વરસી રહેલાં ધોધમાર વરસાદને કારણે માર્ગો નદીમાં ફેરવાઇ ગયા હતા. પરિણામે સવારે ઓફિસે જઇ રહેલાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનો બબ્બે-બબ્બે ફુટ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યાં હતા. ગુરૂગ્રામમાં આજે સવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાવા સાથે પ્રદુષણનું સ્તર પણ ઓછું થયું છે.