ગુજરાતની રાજ્યભરની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજીયાત કરવામાં આવશે. આજે આ માટે ગાંધીનગરમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ છે. એક બેઠક સવારે યોજાઈ રહી છે. જ્યારે બીજી બેઠક બપોરે યોજાશે.
ગુજરાતી ભાષા ફરજિયાત માટે આજે વિધાનસભા ગૃહમાં સરકાર બિલ રજૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યભરની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આજે બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ માટે દંડ અને સજાની જોગવાઈ રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી વિષયને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જે બાદ હાઈકોર્ટે સરકારને આ અંગે ટકોર કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યની સીબીએસસી શાળાઓ અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા જો કોઈ શાળા ભણાવશે નહીં તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની જોગવાઈ મુજબ એક્શન લેવામાં આવશે. પ્રથમ બે વખત શાળાને નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ત્રીજીવાર નિયમનું પાલન ન કરે તો પ્રતિ દિવસના દંડની અને પેનલ્ટીની જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.