પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતના ધોલેરા અને સાણંદમાં બે સેમીકંડકટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેલ હતા. ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટન્સ સ્થપાશે જેમાં 91,000 કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાં એઆઇ આધારિત ચીપ બનશે. બીજી તરફ સાણંદના કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહયા હતા.
આ તકે કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આ બે પ્લાન્ટ ભારતને સેમીકંડકટર હબ બનાવવાની પહેલ છે. તેમજ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું છે. આ તકે દેશના 60000થી વધુ કોલેજ અને યુનિવર્સિટીઓના યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે આત્મવિશ્ર્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે. 21મી સદી ટેકનોલોજી સંચાલિત સદી છે. ત્યારે ઇલેકટ્રોનિક ચીપ વગર આ સદીની કલ્પના શકય નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સેમીકંડકટરમાં ઉત્પાદન ક્ષેત્રે ભારત ગ્લોબલ પાવર બનશે. ભારતની નીતિઓનો વ્યૂહાત્મક ફાયદો પણ મળશે. ત્યારે આ ઉદ્યોગમાં ગુજરાત દેશનું મુખ્ય ક્ષેત્ર બની રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યુ હતું.