અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપની એ ગ્રુપની પુરુષ વર્ગની ચાર મેચો રમાઇ.
ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી પાલનપુર અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં શાહીબાગની 9 વિરુદ્ધ 2 ગોલથી જીત થઇ. ગેલેક્સિયન પ્રથમ હાફમાં બે ગોલ કર્યા પછી ઝાઝું કૌવત ન બતાવી શકી. જ્યારે શાહીબાગે પ્રથમ હાફમાં 4 અને દ્વિતીય હાફમાં 5 ગોલ કરીને પ્રભુત્વ જમાવ્યું. શાહીબાગ ફૂટબોલ ક્લબના શોએબ પઠાણ (જર્સી નં.8) મેન ઑફ ધ મેચ બન્યા. દિવસની બીજી મેચ ધરખમ એ.આર.એ. અને બરોડા ફૂટબોલ એકેડમી વચ્ચે રમાઇ જે બરોડાએ 5 વિરુદ્ધ 4 ગોલથી જીતી લીધી. બરોડા ફૂટબોલ એકેડેમીના રૂદ્ર છેત્રી (જર્સી નં. 12) મેન ઑફ ધ મેચ બન્યા. ત્રીજી મેચ પણ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ અને અમદાવાદની જગરનોટ ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઇ. પારૂલ ક્લબે તેમાં 6 વિરુદ્ધ 2 ગોલથી વિજય મેળવ્યો. પારૂલ ક્લબના વીજુ પવાર (જર્સી નં. 99) મેન ઑફ ધ મેચ જાહેર થયા.
આજના દિવસની ચોથી અને છેલ્લી મેચ સૂર્યવંશી ફૂટબોલ ક્લબ, ગાંધીનગર અને લક્ષ્ય ફૂટબોલ ક્લબ, પાલનપુર વચ્ચે રમાઈ. સૂર્યવંશી સામે લક્ષ્યની ટીમ ખૂબ જ નબળી સાબિત થઈ. સૂર્યવંશી 22 વિરૂધ્ધ 1 ગોલથી મેચ જીતી ગઇ. સૂર્યવંશીના ખેલાડી શુભ દેવાંગ શાહ (જર્સી નં. 25)ને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.