Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસી ગયો

ગુજરાતમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસી ગયો

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત જળ તરબોળ : 228 તાલુકામાં વરસાદ : 19 તાલુકામાં 20 ઇંચ કરતા પણ વધુ મેઘમહેર : દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જળબંબાકાર : કપરાડામાં 8 ઇંચ ખાબક્યો : મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોર ઓછું

- Advertisement -

રાજ્યમાં ચોમાસાની જમાવટ યથાવત રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત જળતરબોળ થયા હોય તેમ સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય અને ઉતર ગુજરાતમાં હળવો-મધ્યમ વરસાદ હતો.

- Advertisement -

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત માથે સિસ્ટમ સક્રિય હોય તેમ આ ભાગોમાં જોરદાર વરસાદ થયો છે.જ્યારે સમગ્ર ગુજરાતમાં 251 તાલુકાઓમાંથી 228માં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સવા આઠ ઇંચ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 199.67 મીમી પાણી વરસી ગયું છે તે સિઝનની સરેરાશના 23.49 ટકા થવા જાય છે.રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં સંતોષકારક વરસાદ હોય તેમ સામાન્યથી બે ઇંચ વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા માત્ર 16ની છે.

જ્યારે 2 થી 5 ઇંચ વરસાદ ધરાવતા તાલુકા 82, 8 થી 10 ઇંચ વરસાદ ધરાવતા 92 નોંધાયા છે. 42 તાલુકામાં 10 થી 20 ઇંચ અને 19 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર વરસ્યા હતા. દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો જળબંબાકાર થયો હતો. કપરાડામાં 8 ઇંચ, વાપીમાં 6 ઇંચ, ધરમપુરમાં 5.50 ઇંચ, પારડીમાં 5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીનાં ખેડ ગામમાં 6 ઇંચ જ્યારે ચીખલી-ગણદેવી અને નવસારીમાં 3-3 ઇંચ વરસાદ થયો હતો. ડાંગમાં સાર્વત્રિક બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

ભરુચ, નર્મદા, તાપી અને સુરત જિલ્લાઓમાં સામાન્યથી માંડીને સાડા છ ઇંચ વરસાદ થયો હતો. સુરતના ચોર્યાસીમાં મુશળધાર 3.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મહુવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં લગભગ તમામેતમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાને બાદ કરતાં અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું જોર જોરદાર હતું. કચ્છમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા હોય તેમ સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ નોેંધાયો હતો. માંડવી તથા ભુજ સાડ ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર થયા હતા.

નિચાણવાળા ભાગોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મુંદ્રામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. નખત્રાણામાં 3 ઇંચ તથા અબડાસા-અંજારમાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. ઉતર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ હતો. સાબરકાંઠા અને ઇડરમાં 3 ઇંચ તથા વડાલીમાં 2 ઇંચ પાણી વરસ્યું હતું. બાકી સર્વત્ર ઝાપટાથી માંડીને એક ઇંચ સુધી વરસાદ હતો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું કોઇ ખાસ જોર ન હતું અને અમદાવાદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ,દાહોદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular