સ્ટેટ ગુડઝ એન્ડ સર્વીસ ટેક્ષ (એસજીએસટી) વિભાગની તપાસમાં 4120 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ બહાર આવ્યા છે. તપાસમાં જણાવ્યુ છે કે 1545 આધારકાર્ડનો ડેટા ગેરકાયદેસર રીતે સુધારવામાં આવ્યો છે. પછી આ કાર્ડ 2721 જીએસટી રજીસ્ટ્રેશન માટે વપરાયા હતા. આ 2721 રજીસ્ટ્રેશનમાંથી 1662 એટલે કે લગભગ 61 ટકા ગુજરાતમાં હતા.
લગભગ 10 દિવસ પહેલા જીએસટી અધિકારીઓએ પાલીતાણાના એક આધાર સેન્ટર પર રેડ પાડી હતી જયાં તેમને જાણવા મળ્યુ કે 1545 જેટલા આધારકાર્ડોના લીન્ક કરાયેલ મોબાઇલ નંબર સુધારીને ડેટામાં છેડછાડ કરાઇ હતી. આ કાર્ડ પછીથી જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં વપરાયા હતા. આ મામલામાં જીએસટી અધિકારીઓએ 1763 ફોન નંબર શોધી કાઢયા હતા.
આ ઘટનાથી માહિતગાર એક સુત્રએ કહ્યું, જીએસટી વિભાગ દ્વારા લગભગ 548 જીએસટી રજીસ્ટ્રેશન બોગસ બીલીંગ અંગે રદ કરી દીધા છે. બાકીના 1114 રજીસ્ટ્રેશનની તપાસ ચાલી રહી છે. અમને શંકા છે કે ઓછામાં ઓછા 35 ટકા રજીસ્ટ્રેશન બોગસ છે. તપાસ પુરી થયા પછી સાચો આંકડો બહાર આવશે.
નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધીમાં વિભાગે 663 બોગસ જીએસટી રજીસ્ટ્રેશન શોધી કાઢયા છે અને તેમને કેન્સલ કર્યા છે. આ જીએસટી નંબરો રૂપિયા 14596 કરોડના બોગસ બીલો બનાવવા માટે વપરાયા હતા અને તેના દ્વારા રૂપિયા 1140 કરોડનો ટેક્ષ ચવાઇ ગયો હતો.