જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક એડવોકેટ કિરીટ જોશીની અજાણ્યા શખ્સો દ્વારા છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના બનાવમાં આ કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. તે દરમિયાન હત્યા કેસના એક સાહેદને ત્રણ લાખનો દંડ ભરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ટાઉન હોલ પાસે વર્ષ 2018 મા રાત્રિના સમયે એડવોકેટ કિરીટ જોશીની અજાણ્યા શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવ્યાના બનાવમાં મૃતકના ભાઈ અશોકભાઈ જોશી દ્વારા જયસુખ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ સહિતનાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સાહેદ સાવીયો ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ (રહે. મુંબઇ) નું નિવેદન લઇ ચાર્જશીટમાં સાહેદ તરીકે દર્શાવેલ હતું. આ સાહેદે ગુજરાત હાઈકોર્ટમાં છ વર્ષના લાંબા સમયગાળા બાદ અરજી કરી હતી જેમાં તેણે તપાસનીશ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલ નથી અને તેનું નામ સાહેદમાંથી દૂર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરીને જણાવ્યું હતું કે, સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલ હોય. તેમજ સાહેદોને કેવી રીતે ખબર પડી કે તેઓના નિવેદન ચાર્જશીટમાં સાહેદ તરીકે દર્શાવેલ છે ? તેમ જણાવી હાઈકોર્ટે સાવીયો ઉર્ફે સાગરને ત્રણ લાખનો દંડ ફરવા અંગેનો હુકમ કર્યો હતો.
આ ચકચારી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી કમલેશ ગોવિંદ પટેલ, દિનેશ જેન્તી સોઢા, સનિષ નંદકિશોર શાહ (રહે. અમદાવાદ) તથા આ કેસના આરોપી સાયમન લુઈશ દેવીનાનંદ (મારાજ) અને અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર (રહે. અમદાવાદ) નામના પાંચેયને એક-એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.


