ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ કયા ક્ષેત્રમાં કરિયર બનાવવુ તેનું માર્ગદર્શન આપવા માટે કેમ્પસ કોર્નર ચલાવવામા આવતા હતા. પરંતુ આ યોજના અંતે બંધ કરી દેવામા આવી છે. કારણકે આજના ઈન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કલાસરૂમમાં અપાતા કરિયર અંગેના માર્ગદર્શનને લઈને સરકારને કોઈ વધુ ઉપયોગીતા ન દેખાતી હોવાથી યોજના બંધ કરી દેવાઈ છે. રાજ્યની સ્કૂલોમાં 1075 અને સ્કૂલોમાં 295 કરિયર કોર્નર ચાલતા હતા.
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તમામ જિલ્લાના મદદનીશ નિયામક(રોજકાર) કચેરીને પરિપત્ર કરીને શાળા-કોલેજોમાં ચાલતા કરિયર કોર્નર બંધ કરવા માટે સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓને વ્યવસાય માર્ગદર્શન માટે કરિયર કોર્નર પ્રવૃત્તિ કરવામા આવતી હતી. જેમાં અમદાવાદમાં 200 જેટલા કરિયર કોર્નર વર્ગો સહિત રાજ્યભરની સ્કૂલો-કોલેજમાં વર્ષો પહેલા બે હજાર જેટલા કરિયર કોર્નર ચાલતા હતા ત્યારબાદ ઘટીને 1400 જેટલા થયા હતા. સરકારના ઠરાવને પગલે અમદાવાદની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા શહેર ડીઈઓ અને ગ્રામ્ય ડીઈઓને જે સ્કલોમાં કરિયર કોર્નર ચાલતા હતા તે સ્કૂલોનું લિસ્ટ મોકલીને યોજના બંધ કરવા બાબતે જાણ કરાઈ છે. ઉપરાંત 2025-26ના કરિયર કોર્નર વર્ગના માસિક પત્રકોનું બાકી ચુકવણું ચુકવવામા આવશે તેમ પણ જણાવાયું છે. જ્યાં એક બાજુ સ્કીલ આધારિત શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે બાળકો-વાલીઓને કરિયરને લઈને મુંઝવતા પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન મળે તે જરૂરી છે.


