Monday, March 31, 2025
Homeરાજ્યહાલારબાવળા નજીક કાર અકસ્માતમાં મૃતક પોલીસમેનને ગાર્ડ ઓફ ઓનર

બાવળા નજીક કાર અકસ્માતમાં મૃતક પોલીસમેનને ગાર્ડ ઓફ ઓનર

મૃતક પોલીસમેનના વતન બાંકોડી ખાતે છવાયો શોકનો માહોલ

કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના હેડ કોન્સ્ટેબલનું ગુરુવારે અમદાવાદ નજીકના બાવળા પાસે કાર અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજ્યાના બનાવે નાના એવા બાકોડી ગામ સાથે જિલ્લાના પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -

આ કરૂણ બનાવની વિગત મુજબ, દ્વારકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ સગાભાઈ ગોજીયા નામના આશરે 32 વર્ષના યુવાન તેમની સાથે અન્ય ત્રણ પોલીસ કર્મીઓ સહિત અમદાવાદ ખાતે ખાતાકીય તપાસ સાથે તેમજ હાઇકોર્ટમાં મુદતે જવા માટે નીકળ્યા હતા. આ કામગીરી પૂર્ણ કરી અને તેઓ પરત આવવા માટે નીકળ્યા હતા, ત્યારે અમદાવાદથી થોડે દૂર બાવળા નજીક પહોંચતા પુરપાટ વેગે જઈ રહેલી તેમની મોટરકાર સર્કલ પરના એક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ જીવલેણ ટક્કરમાં ભાયાભાઈ ગોજીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ અરશીભાઈ, હરપાલસિંહ ઘનશ્યામસિંહ તેમજ દિલીપસિંહ હરીસિંહને પણ નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલ ભાયાભાઈ ગોજીયાના મૃતદેહને ગઈકાલે તેમના વતન કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામ ખાતે લાવ્યા લાવવામાં આવ્યો હતો. જ્યાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ કોર્નર અપાયું હતું. ત્યાર બાદ યોજાયેલી તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.

મૃતક પોલીસ કર્મીની બે નાની પુત્રીઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સાથે જિલ્લાના પોલીસ બેડામાં શોકના માહોલ વચ્ચે પોલીસ તંત્રએ પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular