ગુજરાતના 10 કોચિંગ કલાસના 54 સ્થળોએ પાડવામાં આવેલા દરોડાને અંતે રૂા.42 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં જીએસટી વિભાગને સફળતા મળી છે. તેમની પાસેથી રૂા.6 કરોડના જીએસટીના લેણા કાઢવામાં આવ્યા છે. તેમાંથી રૂા.1.85 લાખની વસૂલી કરી લેવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન આ તમામ કોચિંગ કલાસમાંથી સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતાં. ગત સપ્તાહમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, સુરત, નવસારી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગોધરા, આણંદ, હિમ્મતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સાગમટે દરોડા ચાલુ કરવામાં આવ્યાં હતાં.
પરીક્ષાઓ માટેના કોચિંગ માટેની સેવા પેટે લેવાથી ફી ની રકમ પર 18 ટકાના દરે જીએસટી ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વસૂલવાનો હોય છે. ગુજરાતભરના મોટા અને નાના શહેરોમાં વિદ્યાર્થીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લેવા માટે તગડી ફી ચૂકવતા હોવા છતાંય તેના પર વસૂલવામાં આવતા 18 ટકાના જીએસટીના દર પ્રમાણેના ટેકસ જમા ન થતો હોવાના આંકડાઓને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં.


