ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)ના પ્રમુખ પરિમલ નથવાણીએ 29 ઑગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડેને અનુલક્ષીને ફૂટબોલની રમતને વધુ સુદ્રઢ કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. કોવિડને લીધે ગુજરાતમાં મંદ પડી ગયેલ ફૂટબોલ ફરીથી મેદાનમાં લાવવા જી.એસ.એફ.એ. સુસજ્જ છે.
ગુજરાતની ટીમ સિલેક્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટો શરુ થઇ રહી છે. સીનિયર વિમેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ પણ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી પાલનપુર (બનાસકાંઠા)માં શરૂ થશે. સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ પણ 5 ઑક્ટોબરથી રાજકોટમાં શરૂ થશે. સિલેક્ટ થયેલા ખેલાડીઓ માટે નેશનલ રમવા જતાં પહેલાં એક 20 દિવસનો કેમ્પ યોજાશે.
જી.એસ.એફ.એ. દ્વારા રેફરીઓ માટે એક રિફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ટુર્નામેન્ટો માટે એક્ટિવ રેફરીઓ તૈયાર થઇ શકે. ભાવનગરમાં ડી લાયસન્સ કોચિંગ કોર્સ આયોજિત કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં આણંદમાં એક હાયર લેવલનો બી કોચિંગ કોર્સનું આયોજન છે. સી સર્ટિફિકેટ કોચિંગ કોર્સ માટેની દરખાસ્ત ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાં મોકલવામાં આવી છે. જી.એસ.એફ.એ. માને છે કે રેફરીઓ અને કોચ માટેના રિફ્રેશર પ્રોગ્રામો તથા ખેલાડીઓ માટે બને તેટલી વધુ મેચો ફૂટબોલને આગળ ધપાવવાનો એક રસ્તો છે.
એક અન્ય મહત્વપૂર્ણ પગલામાં જી.એસ.એફ.એ. દ્વારા અત્યાર સુધી નોક-આઉટ રીતે રમાડાતી ટુર્નામેન્ટો હવે લીગ આધારિત રમાડવાનો નિર્ણય કરાયો છે જેથી ખેલાડીઓને વધુ મેચો રમવાની તક અને અનુભવ મળે. જી.એસ.એફ.એ.ની નવી ટીમમાં પ્રમુખ ઉપરાંત એક મહા મંત્રી, પાંચ ઉપ-પ્રમુખો, એક ખજાનચી અને સંખ્યાબંધ કારોબારી સભ્યો ફૂટબોલની રમતને રાજ્યમાં નવી ઊંચાઇએ લઇ જવા કટિબદ્ધ છે; એમ તેમણે કહ્યું.
મૂળરાજસિંહ ચુડાસમા નવા મહા મંત્રી છે. પાંચ ઉપ-પ્રમુખોમાં હનીફ જીનવાલા, પ્રદીપસિંહ વાઘેલા, જીગ્નેશ પાટિલ, ગુણવંતભાઇ ડેલાવાલા અને અરૂણસિંઘ રાજપૂતનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ સંયુક્ત મંત્રીઓ છે, કમલેશ સેલાર, સંદીપ દેસાઇ, મહીપાલસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઝાલા અને ધવલ આચાર્ય, ખજાનચી તરીકે મયંક બૂચ છે.
કારોબારી સમિતિ ઉપરાંત જી.એસ.એફ.એ.માં અલગ-અલગ વય જૂથોના છોકરા-છોકરીઓને ફૂટબોલ રમતા કરવા માટે વિભિન્ન સમિતિઓ બનાવવામાં આવી છે. જી.એસ.એફ.એ.સાથે 33 જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો જોડાયેલાં છે. દેશમાં ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) દ્વારા નિર્ધારિત માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટો યોજવા અને સંચાલિત કરવા જિલ્લા એસોસિયેશનોને પ્રોત્સાહિત કરાશે.
કોવિડ મહામારી ધીમે-ધીમે જતી રહેશે તેવી આશા સાથે આવનારા દિવસોમાં જી.એસ.એફ.એ. પૂરા જોમ સાથે ફૂટબોલને આગળ ધપાવવા તત્પર છે. ઉદ્દેશ્ય એ છે કે ફૂટબોલની રમતમાં પણ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થાય. તેમ પણ નથવાણીએ કહ્યું.
ગુજરાતમાં મંદ પડેલા ફુટબોલને ફરીથી કીક મારશે GSFA
પ્રમુખ પરિમલ નથવાણીએ ફૂટબોલને નવી ઉંચાઇએ લઇ જવાની ખાતરી આપી