Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરના પટેલકા ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધોકાવાળી

કલ્યાણપુરના પટેલકા ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધોકાવાળી

સામ સામા પક્ષે કુલ નવ શખ્સો સામે ફરિયાદ

- Advertisement -
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે જમીન ખેડવા બાબતે શનિવારે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમા લાકડાના ધોકા, કુહાડા અને ધારીયાનો છૂટથી ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં સામ-સામા પક્ષે કુલ નવ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામની સીમમાં રહેતા હરદાસભાઈ કરણાભાઈ કંડોરીયા નામના 50 વર્ષના આહિર આધેડના ભાઈ સવદાસભાઈએ તેઓની ભાઈઓ ભાગની જમીન આ જ ગામના રહીશ મશરીભાઈ કેશુરભાઈ ગોજીયાને વેંચી હતી. આ બાબતે જુનું મનદુઃખ ચાલતું હોય અને આ બાબતે સ્થાનિક અદાલતમાં કેસ ચાલુ હોવાથી આ જગ્યાને ખેડવા માટે આવેલા પટેલકા ગામના મશરીભાઈ કેશુરભાઈની સાથે નગાભાઈ લખુભાઈ, નેભાભાઈ સામતભાઈ ગોજીયા, મહેશભાઈ નેભાભાઈ ગોજીયા અને નારણભાઈ નેભાભાઈ ગોજીયા નામના કુલ પાંચ શખ્સોને ફરિયાદી હરદાસભાઈ કંડોરીયાએ જમીન ખેડવાની ના કહી હતી. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે રહેલા લાકડાના ધોકા, કુહાડી, ધારીયા, વિગેરે જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેના કારણે હરદાસભાઈ તથા તેમના પરિવારજનોને નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આમ, જમીન ખેડવા બાબતે થયેલી બોલાચાલીમાં પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી અને પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હરદાસભાઈ કરણાભાઈની ફરિયાદ પરથી રાયોટીંગની કલમ 143, 147, 148, 149, 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ પ્રકરણમાં સામા પક્ષે પટેલકા ગામના મશરીભાઈ કેશુરભાઈ ગોજીયા (ઉ.વ 38) એ હરદાસભાઈ કરણાભાઈ કંડોરીયા, રણમલભાઈ અરશીભાઈ, મારખીભાઈ અરશીભાઈ અને રાજુ મારખીભાઈ નામના ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી મશરીભાઈએ આરોપી પરિવારના સવદાસભાઈ પાસેથી જમીન વેચાતી લીધી હોય, આ બાબતના ચાલી રહેલા મનદુઃખ વચ્ચે ફરિયાદી પોતે ખરીદ કરેલી જમીનમાં ખેતી કરવા જતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જમીન નહીં ખેડવાનું કહી અને ઝઘડો કર્યાની તથા હથોડા સાથે આવી, ફરિયાદીની માલિકીના ખેતરમાં પ્રવેશ કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મશરીભાઈ ગોજીયાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 447, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular