દેશની મહાન એથ્લીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. પીટી ઉષાની સાથે ફિલ્મ કમ્પોઝર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને આ જાણકારી આપી હતી. પીએમ મોદીએ પીટી ઉષા અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે પીટી ઉષા રમતગમતની સિદ્ધિઓ માટે જાણીતી છે. ફક્ત એટલું જ નહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવોદિત એથ્લીટોનું માર્ગદર્શન કરવાનું શાનદાર કામ કર્યુ છે. ઇલૈયારાજા અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે તેમણે દરેક પેઢીના લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની રચનાઓ અનેક પ્રકારની ભાવનાઓની સુંદરતા દર્શાવે છે. તે એક વિનમ્ર પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે સામુદાયિક સેવામાં આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા, આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે નિશ્ચિત રીતે સંસદીય કાર્યવાહીને વધારે સમૃદ્ધ બનાવશે.
આ ત્રણેય ઉપરાંત વી વિજયેન્દ્રપ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ દર્શાવે છે અને તે વિશ્ર્વસ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે.