અનાજ-કઠોળ ઉપર લાદવામાં આવેલાં પાંચ ટકા જીએસટીના વિરોધમાં જામનગર માર્કેટ યાર્ડ તેમજ ગ્રેઇન માર્કેટના વેપારીઓએ સજજડ બંધ પાડી જીએસટી સામે ભારે નારાજગી દર્શાવી હતી. જામનગર શહેર ઉપરાંત હાલાર ભરના માર્કેટ યાર્ડ અને અનાજના વેપારીઓ આજના ભારતબંધમાં જોડાયા હતા. વેપારીઓ અનાજ પરથી જીએસટી હટાવવાની માંગણી કરી રહયા છે.
થોડા સમય પહેલાં ચંદીગઢમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ય કોમોડિટી સાથે અનાજ અને કઠોળ ઉપર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો અમલ આગામી સોમવારથી થવા જઇ રહ્યો છે. ત્યારે જીએસટી કાઉન્સિલના આ નિર્ણયના વિરોધમાં અનાજના વેપારીઓ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે સવારથી જ જામનગર (હાપા) માર્કેટ યાર્ડનું કામકાજ ઠપ્પ રહયું હતું. વેપારીઓ આજે યાર્ડમાં અનાજની હરરાજીના કાર્યથી દુર રહયા હતા. જેને કારણે હાપા યાર્ડ સુમસામ ભાસી રહ્યું હતું. બીજી તરફ જામનગર સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી બેઠકમાં ગ્રેઇન માર્કેટના વેપારીઓ દ્વારા બંધને સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આજે સવારથી જ જામનગરની મુખ્ય અનાજ બજાર એવી ગ્રેઇન માર્કેટ સદંતર બંધ રહી હતી.
વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી અનાજ-કઠોળ પર પાંચ ટકા જીએસટી લાદવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં હાલના કપરા કાળમાં તેમજ કાળઝાળ મોંઘવારી વચ્ચે અનાજ પર જીએસટીનો નિર્ણય અયોગ્ય હોવાનું જણાવી તાકિદે પાછો ખેંચવા માંગણી કરી હતી. આ ઉપરાંત જામનગર અને દ્વારકા જિલ્લાની માર્કેટ યાર્ડો પણ આજના બંધમાં જોડાઇ હતી. તમામ જગ્યાએ કામકાજ સ્થગિત રહયા છે. યાર્ડ ઉપરાંત તાલુકા મથકોએ અનાજના વેપારીઓ તેમજ કરિયાણાના વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા.