જામનગર ખાતે આગામી તા.25 એપ્રિલના રોજ રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ યોજાશે. આ ઉપરાંત નવા એમ.ઓ.યુ.ની જાહેરાત અને યુટયુબ ચેનલ ખુલ્લી મુકાશે.
વિશ્ર્વની સૌપ્રથમ અને ગુજરાતની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તા.25 એપ્રિલના સવારે 28મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પદવીદાન સમારોહના મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય રાજ્યમંત્રી આયુષ મંત્રાલયના ડો. મહેન્દ્રભાઈ મુંજપરા વિશેષ અતિથી તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અન્ય વિશિષ્ટ અતિથી તરીકે લોકસભા સાંસદ વૈદ્ય ભારતીબેન શિયાર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ અને આઈટીઆરએના નિયામક પ્રો.વૈદ્ય અનુપ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ધન્વન્તરિ મંદિર ઓડીટોરીયમ ખાતે યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ 737 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચરલ ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમ ડી, એમ એસ અને પીએચડીના મળી કુલ 741 વિદ્યાર્થીઓ હશે. આ ઉપરાંત વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર ચાર વ્યક્તિત્વને ડોકટરેટ ઓફ લિટરેટર (ડી.લીટ) ની પદવી એનાયત કરવામાં આવશે. જેમાં વૈદ્ય ગુરદીપસિંઘ, ડો. પરબાઈ મીનુ હીરાજી, ઈન્દુમતી કાટદરે તથા ડો. મનોરંજન શાહુને તેના સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ વિશિષ્ટ સેવા અને અનન્ય સિધ્ધી બદલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આ પદવી આપવામાં આવી રહી છે. આ તકે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રઝત મેડલ પણ એનાયત કરાશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 28મા પદવીદાન સમારોહનો તા.25 ના સવારે 11 વાગ્યે રાજ્યપાલના આગમન સાથે શુભારંભ થશે. મુખ્ય દ્વારથી મંચ સુધી તેમનું સન્માનપુર્ણ પ્રસ્થાન કરાવ્યા બાદ મંચ પર પ્રાર્થના અને યુનિવર્સિટીના ગીતનું ગાન કરવામાં આવશે. આ તકે પદવીદાન અને ઈનામો તથા મેડલ અને એવોર્ડ એનાયત થયા બાદ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એમ.ઓ.યુ. અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની યુ-ટયુબ ચેનલનું લોન્ચીંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટી જેવી કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડી એક નવી જ દિશામાં શિક્ષણની પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. આમ થવાથી આયુર્વેદ અન્ય વિદ્યાશાખાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષ અને માનવ વિકાસના નુતન દ્વાર ખોલશે. આ ઉપરાંત તા.26 ના વિવિધ આયુર્વેદ કોલેજોના આચાર્યો સહિતના મહાનુભાવો, શિક્ષણ અગ્રણીઓ, સાથે શૈક્ષણિક માળખા અંગે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે.