મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટના બાદ હવે રાજય સરકાર એકશનમાં આવી હોય તેમ રાજયભરમાં પુલ તથા નવનિર્માણ કાર્યની ચકાસણી કરવાનો આદેશ કર્યો છે અને કચ્છના બે નબળા પુલ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. રાજય સરકારે તમામ જીલ્લા કલેકટરો તથા માર્ગ-મકાન વિભાગને નબળા જણાતા પુલ તથા નવનિર્માણ કાર્યોનો સર્વે-સમીક્ષા કરવાનો આદેશ ઈસ્યુ કર્યો છે અંબાજી, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, પાલીતાણા સહિતના યાત્રાધામોના વહીવટકર્તાઓને લોકોના ધસારાને નિયંત્રીત કરવાની સીસ્ટમ ગોઠવવા તાકીદ રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે અંબાજી, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, પાલીતાણા સહિતના વિખ્યાત યાત્રાળુ-ધાર્મિક સ્થળોના સંચાલકોને મુલાકાતીઓની સંખ્યા નિયંત્રીત કરતી સીસ્ટમ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સ્થળોએ- ખાસ કરીને ધાર્મિક-પવિત્ર તહેવારો વખતે યાત્રાળુઓ-લોકોનો મોટો ધસારો રહેતો હોય છે ત્યારે ધસારો નિયંત્રીત કરવાની વ્યવસ્થા ગોઠવવા કહેવાયુ છે. રાજયના મુખ્ય સચિવ પંકજકુમારે માર્ગ-મકાન સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. માર્ગ-મકાન વિભાગને જુના, નબળા તથા ક્ષતિગ્રસ્ત પુલની ઓળખ મેળવવા- લીસ્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ પ્રકારના તમામ સ્ટ્રકચર તાત્કાલીક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.