રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે શહેરી વિકાસ વર્ષ 2005 ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. 430 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદુરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનનો સંદેશો સૌ પ્રથમ જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો. આ બાબતનો મુખ્યમંત્રીએ સગૌરવ ઉલ્લેખ કરીને જામનગરવાસીઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો આધ્યાય આલેખવાની વડાપ્રધાનની દૂરંદેશિતાને બિરદાવતાં કહ્યું હતું કે, સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનની રાહબરી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે.
View this post on Instagram
નગર એટલે નળ, ગટર, રસ્તાની વિભાવનાથી અલગ પડીને નગરોને ‘વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો’ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેવી ખાતરી ઉચ્ચારતાં મુખ્યમંત્રીએ વિકાસના કોઈ પણ કામ માટે જન પ્રતિનિધિને રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકની તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2005ની શહેરી વિકાસ વર્ષ તરીકે કરાયેલી ઉજવણી બાદ 2025માં શહેરી વિકાસ વર્ષને 20 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે શહેરોના વિકાસ માટે સમગ્ર રાજ્યમાં ગાર્ડન, ઓવરબ્રિજ, ડ્રેનેજ નેટવર્ક વગેરે કામગીરીનો રોડમેપ તૈયાર કરી રાજ્યભરમાં તેનું ઝડપી અમલીકરણ કરાઇ રહ્યું છે. આ વર્ષના ગુજરાતના બજેટમાં રૂ. 30 હજાર કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોચાડવાનો પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને આપેલા વચનો પૂર્ણ કરતા લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવથામાં ચોથા ક્રમે પહોંચ્યું છે અને નજીકના સમયમાં ત્રીજા ક્રમ પર પહોચવા આગળ વધી રહ્યું છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાનએ દેશને આપેલા સંકલ્પો પૈકી તાજેતરમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં 17.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મુક્ત બને તે થીમ પર ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
શહેરી સ્વચ્છતાનો અભિગમ નાગરિકોએ પોતાના સ્વભાવમાં અપનાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા જામનગરવાસીઓને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ દીર્ઘ દ્રષ્ટિ અપનાવી ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે સમગ્ર દેશમાં ‘કેચ ધ રેઇન’ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન દરેક શેરી, મહોલ્લાઓ સુધી પહોંચે અને વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે પ્રકારે સરકારથી માંડીને જન પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં ભારત દેશ વિકસિત બને તે માટે વોકલ ફોર લોકલ અભિગમ અપનાવવા, યોગથી આયુષ્માન સુધીની સેવાઓ લોકો સુધી પહોંચાડવા તથા સરકારી યોજનાઓના મધ્યમાં છેવાડાના માણસને રાખી તે પ્રકારની સેવાઓ પૂરી પાડવા સરકાર કાર્યરત છે. વિકાસકાર્યોનો લાભ લાંબા ગાળા સુધી લોકોને મળતો રહે તે હેતુથી ઉચ્ચ ગુણવત્તા સાથે સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાત અગ્રેસર રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત પ્રગતિ કરી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભુજ ખાતેથી જામનગર જિલ્લાને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી, અને ફરીથી જામનગરને મળનારા રૂ.430 કરોડથી વધુના વિકાસ કામો સમગ્ર જિલ્લાના વિકાસને નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, છેલ્લા 20 વર્ષમાં જામનગર જિલ્લાને રૂ.2500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો મળ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પિત થઈ રહેલા શિક્ષણ, આરોગ્ય, પરિવહન, બાંધકામ સહિતના વિકાસ કામો જામનગરને નવી ઊંચાઈએ લઈ જશે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો કરશે.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વિકાસ યાત્રાના આજે આપણે સૌ સાક્ષી બન્યા છીએ. તેમણે શહેરોના વિકાસની પડકારજનક સ્થિતિને સ્વીકારી તેમને આધુનિક અને વિકસિત બનાવ્યા છે. આજે ’ડબલ એન્જિન’ સરકારના કારણે જામનગરે વિકાસની અનેક ઊંચાઈઓ સર કરી છે.વર્ષ 2014 પહેલા શહેરી વિકાસમાં કેન્દ્ર સરકારની ભાગીદારી ખૂબ ઓછી હતી, પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગરિકો સુધી પહોંચી છે અને વિકાસ કામોને સરળતાથી મંજૂરી મળી રહી છે, જેનાથી શહેરોની માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દૂરંદેશીતાને કારણે જામનગરે ટ્રેડિશનલ મેડિસિન, ઔદ્યોગિક વિકાસ, બ્રાસ અને ઓઇલ નિકાસ સહિતના ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પોતાનું નામ અંકિત કર્યું છે. સાંસદએ સૌને વડાપ્રધાનના “વોકલ ફોર લોકલ” મંત્રને સાકાર કરવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા રૂ.34 કરોડ 74 લાખના ખર્ચે લોકાર્પણ કરાયેલા મુખ્ય કામોમાં 2 શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, જામનગર મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં નિર્માણ પામેલ નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ, શાળાઓમાં નવા ક્લાસરૂમ તેમજ રૂ. 395 કરોડ 76 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં 2 હોસ્ટેલો, સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનું અપગ્રેડેશન અને બાંધકામ, ફ્લાયઓવર, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન, ફાયર સ્ટેશન, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો, શાલ અને હાલારી પાઘડીથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જામનગરની વિકાસયાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ઉપક્રમે જામનગરની છેલ્લા 20 વર્ષની વિકાસયાત્રાને વર્ણવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ અઘ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


