જામનગર શહેરમાં અસંખ્ય ગુનાઓ આચરનાર બેડીના શખ્સે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બંગલો ખડકી દીધો હતો. આ પ્રકરણમાં વહીવટી તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી અંતર્ગત આજે સવારે પોલીસ અધિક્ષકના નેજા હેઠળ ચૂસ્ત પોલીસ બંદબોસ્ત વચ્ચે બંગલો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં રજાક નુરમામદ સાયચા સહિતનાઓ વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, વ્યાજવટાવ, સરકારી કર્મચારી ઉપર હુમલો, મકાન પચાવી પાડવા, ધમકી આપવી જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. રજાક દ્વારા જામનગર મહાનગરપાલિકાની હદ્દમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 40 પૈકીવાળી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બંગલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર દબાણ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગે્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે નાયબ કલેકટર પી ડી પરમાર દ્વારા ગેરકાયદેસર ખડકાયેલો બંગલો તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આદેશ સંદર્ભે આજે સવારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઇ તથા પોલીસ કાફલા સાથેના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંગલો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જો કે, વહીવટી તંત્ર અને પોલીસે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આજે વહેલસવારથી પોલીસ તંત્રના ધાડા અને બુલડોઝર બેડી વિસ્તારમાં પહોંચી ગયા હતાં અને સરકારી જમીન પર ખડકાયેલા આ બંગલાની તોડપાડ માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી સહિતની ટીમ પણ આ પાડતોડમાં જોડાઈ હતી. આગામી દિવસોમાં પણ દબાણ કરનારાઓ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલી અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું. સરકાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર ગુનેગારો સામે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર દબાણ કરનારનું દબાણ હટાવવા માટે હાથ ધરાયેલી કામગીરીને શહેરીજનોએ સરાહનીય ગણાવી હતી.