સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને એકાદ મહિનાથી મેઘરાજા અદ્રશ્ય થઈ ગયા હોવાથી ખાસ કરીને ખેતીપાક પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ વાસ્તવિકતાને પગલે રાજય સરકાર એલર્ટ થઈ છે. ખેતીને નુકશાન ન થાય તે મટે રાજકોટ, જામનગર સહિત 10 જીલ્લામાં કૃષિ માટે 8 ને બદલે 10 કલાક વિજળી આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સિંચાઈ માટે વધુ પાણી છોડવાની સાથોસાથ તળાવ ચેકડેમો નર્મદાના પાણીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું છે.
રાજયમાં વરસાદ ખેંચાયો છે ત્યારે 14 જિલ્લામાં ખેડુતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વિજળી તાત્કાલીક ધોરણે આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ખેડુતોને જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે વિજળી અને પાણી પુરુ પડાશે. સરદાર સરોવર સહિત રાજયના જે ડેમોમાં 80 ટકાથી વધુ પાણી છે તેવા ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 14 જિલ્લામાં ખેડુતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વિજળી અપાશે. તેના કારણે 14 જિલ્લાના 12 લાખ જેટલા ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડુતોને લાભ થશે. વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ નિર્ણય કરાયો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરાયો છે. માંગણી અનુસાર અન્ય વિસ્તારોમાં પણ વિજળી અને પાણી પુરુ પાડવામાં આવશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ઉતર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખેડુતોની જરૂર પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે. ઉતર ગુજરાતની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના થકી જોડાયેલી 2000થી વધુ તળાવો-ચેકડેમો જળાશયોમાં નર્મદાનું પાણી અપાશે.