કાલાવડથી બાલંભડી જવાના માર્ગ પર ખોડિયાર મંદિર નજીક આવેલા ગોડાઉનમાંથી સોમવારે રાત્રિના સમયે ચાર લાખની કિંમતના 1500 કિલો વાયરનો જથ્થો અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને મોબાઇલ સહિત કુલ રૂા. 4,08,000 ની કિંમતના મુદ્દામાલની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ નજીક બાલંભડી રોડ પર હરેશભાઇ બુસા નામના કોન્ટ્રાકટર યુવાનનું ખોડિયાર મંદિર નજીક આવેલા ભાડાના ગોડાઉનમાં સ્વાતંત્ર્ય દિવસની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનમાંથી એલ્યુમીનીયમ એલોય કંડકટર 34 અને 55 એમ.એમ. નો 2500 કિલો વાયર તથા નવા એલ્યુમીનીયમના કંડકટર 34 અને 55 એમ.એમ. સ્ક્વેર વાયરનો 1500 કિલોનો જથ્થો મળી રૂા.4 લાખની કિંમતનો વાયર તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને ટેકનો કંપનીનો મોબાઇલ સહિત કુલ રૂા.4,08,000ની કિંમતના સામાનની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની વેપારીને જાણ થતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ યુ.એચ.વસાવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી સામાન્ય ચોરીનો ગુનો નોંધી અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.