જામનગર શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગમાં રહેતી તરૂણીનું કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. જામનગરના ગોકુલનગરમાં રહેતી યુવતી તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી જતાં પોલીસે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગમાં રહેતી રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતી અને 8 ધોરણ સુધી અભ્યાસ કરેલી કાજલ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.12) નામની તરૂણીનું રવિવાર તા.18 ના રોજ સાંજના સમયે અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઇ ગયો હોવાની દક્ષાબા જાડેજા દ્વારા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે પોપટી કલરની કુર્તી અને અને મરુન કલરની બાંધણીવાળો દુપટો તથા કાળા કલરની ચોયણી પહેરેલ ઘઉંવર્ણી અને પાતળો બાંધો ધરાવતી તેમજ જમણા હાથની કલાઈ પર ‘ૐ’ ત્રોફાવેલ તથા ગુજરાતી ભાષા જાણતી તરૂણી અંગેની કોઇ જાણકારી મળે તો સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસ યાદીમાં જણાવાયું છે.
તેમજ જામનગર શહેરના ગોકુલનગર સોયોના શેરી નં.4 માં રહેતા પ્રવિણાબેન અશોકભાઈ માંડવિયા નામના પ્રૌઢાની પુત્રી કૃપાલી માંડવિયા (ઉ.વ.18) નામની યુવતી ગત તા.19 ના સોમવારે સવારના 10 વાગ્યાના અરસામાં તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી જતાં આ અંગેની જાણ કરાતા પોલીસે આ યુવતી અંગે શોધખોળ હાથ ધરી હતી.
જામનગર શહેરમાંથી ગોંડલની તરૂણીનું અપહરણ
ગોકુલનગરમાંથી યુવતી ચાલી ગઈ : પોલીસ દ્વારા બન્નેની શોધખોળ