લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ટ્રેકટર ચલાવતા વૃધ્ધના 15 થી 20 દિવસના સમય દરમ્યાન મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી પેટી પલંગમાં રાખેલી થેલીમાં રહેલાં રૂા. 22 લાખની કિંમતના 350 ગ્રામ સોનાના દાગીનાના બોકસ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ફટકડીના કારખાના સામે રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેકટર ચલાવવાનો વ્યવસાય કરતાં કિશોરસિંહ કેશુભા જાડેજા ઉ.વર્ષ 60 નામના વૃધ્ધના મકાનમાંથી છેલ્લા 15 થી 20 દરમ્યાન અજાણ્યા તસ્કરોએ કોઇપણ સમયે પ્રવેશ કરી મકાનના રૂમમાં રહેલા પેટી પલંગમાં એક થેલીમાં રૂા. 22 લાખની કિંમતના 350 ગ્રામ વજનના સોનાના દાગીના બોકસમાંથી ચોરી કરી લઇ ગયા હતા. માતબર રકમની કિંમતના દાગીના ચોરાયાની જાણ થતાં વૃધ્ધ દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુન્હાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. તેમજ આજુબાજુના સીસીટીવી ફુટેજોમા તપાસવા તજવીજ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં કોઇ જાણભેદુએ ચોરી આચરી હોવાની શકયતાના આધારે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


