જામનગરના નિવૃત પોલીસ કર્મચારી પિતાએ અનોખુ કન્યાદાન કરી પુત્રીને કિડનીનું દાન આપી પિતાના નિસ્વાર્થ ત્યાગની અનોખી મીશાલનું દ્રષ્ટાંત પુરૂ પાડયું છે.
કન્યાદાન હંમેશા પવિત્ર માનવામાં આવ્યું છે. સામાન્ય રીતે લગ્નપ્રસંગે પિતા પોતાની પૂત્રીને જીવનસાથીને સોંપે છે, તેને જ કન્યાદાન કહેવાય છે. પરંતુ જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે, જયાં કન્યાદાનનો અર્થ વધુ ઊંડો અને અનોખો બની જાય છે. એક પિતા પોતાની વ્હાલસોયી પૂત્રીને માત્ર નવા ઘર સુધી નહીં પરંતુ નવા જીવન સુધી પહોંચાડે છે. જયારે પૂત્રી બીમારીમાં ઝઝુમી રહી હોય ત્યારે પિતા પોતાના અંગનુ દાન કરીને તેને નવજીવન આપે એ કન્યાદાન ખરેખર અનન્ય હોય છે. આવો કિસ્સો જ જામનગરમાં ટ્રાફિક પોલીસમાં વર્ષો સુધી ફરજ બજાવી ગયેલા આસીસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર કાનજીભાઇ પનારાના જીવનમાં બન્યું હતું.
કાનજીભાઇની પૂત્રી શિલ્પાબેન કિડનીની ગંભીર બીમારીથી પીડાતી હતી, અનેક સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન આવતા ડોકટરોએ કિડની પ્રત્યારોપણની સલાહ આપી યોગ્ય દાતા ન મળતાં કાનજીભાઇએ પોતાની કિડની આપવાનો નિર્ણય લીધો, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જરૂરી તમામ તબીબી પરીક્ષણો બાદ કાનજીભાઇની કિડની યોગ્ય જણાંતા નિષ્ણાંત તબીબો ડો.પ્રકાશ દરજી, ડો. હિંમાશુ પટેલ, ડો.કમલેશ પટેલ, ડો. મુકેશ પટેલ સહિતનાઓએ ગત તા.17-8-2024ના રોજ સફળ ઓપરેશન કરી શિલ્પાબેનને નવું જીવન આપ્યું હતું, હાલ બન્ને પિતા-પૂત્રી નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. આમ, આ બનાવ પિતાના નિ:સ્વાર્થ પ્રેમ અને ત્યાગનું જીવંત પ્રતિક બનવાની સાથે પિતાનું અનોખા કન્યાદાન તરીકે યાદગાર બની રહેશે.


