જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં રહેતી યુવતી કોલેજે ગયા બાદ ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતાં આખરે પોલીસ દ્વારા યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલી સાયોના શેરીમાં આવેલી ઘનશ્યામ ડેરીની સામે રહેતાં હર્ષિતાબેન ચેતનભાઇ માલવી નામના મહિલાની પુત્રી ઇશા ચેતનભાઇ માલવી (ઉ.વ.18) નામની યુવતી તેણીની કોલેજે ગઇ હતી. ત્યારબાદ કોલેજથી સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી પુત્રીની ચિંતામાં બહેનપણી અને સગાવહાલાઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે યુવતીની માતા દ્વારા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે હે.કો. એન. બી. સદાદિયા તથા સ્ટાફએ વર્ણનના આધારે કોલેજથી લાપત્તા થયેલી ઇશાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


