જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં શ્રમિક પરિવારની બાળકીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરીનં.8 માં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રવિણભાઈ હિરાભાઈ વારગીયા નામના શ્રમિક યુવાનની પુત્રી પ્રિયાંશીબેન પ્રવિણભાઇ વારગીયા (ઉ.વ.12) નામની બાળકીએ સોમવારે સાંજના સમયે અકળ કારણોસર તેના ઘરે રૂમના હુંકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની જાણ કરતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી મૃતકના પિતા પ્રવિણભાઈના નિવેદનના આધારે આગળની તપાસ આરંભી હતી. જો કે, પોલીસને પ્રાથમિક તપાસમાં બાળકીએ કયા કારણોસર આત્મહત્યા કરી ? તે જાણવા મળ્યું ન હતું.