ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ તેમના અંતિમસંસ્કાર કરાશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહે સીડીએસના હેલિકોપ્ટર ની દુર્ઘટના અંગેની જાણકારી આજે સંસદમાં બન્ને ગૃહોમાં આપી હતી.
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ એકમાત્ર જીવિત છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.
આ પહેલાં વર્ષ 2015માં પણ તેઓ એક હેલિકોપ્ટરમાં સવાર હતા તે ચોપર પણ ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના ઘટી હતી ફેબ્રુઆરી 2015માં જ્યારે લેફટનન્ટ જનરલ બિપિન રાવત સેનાની દિમાપુર સ્થિત 3-કોરના હેડક્વાર્ટરના પ્રમુખ હતા. દિમાપુરથી જ્યારે તેઓ ચિત્તા હેલિકોપ્ટરમાં સવાર થઈને નીકળ્યા કે અચાનક જ થોડી ઉંચાઈ પર તેમના ચોપરે નિયંત્રણ ગુમાવ્યું અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.
આ ઘટનાની પાછળ એન્જિન ફેલ થયું હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતને સામાન્ય ઈજા થઈ હતી.જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા. વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી કરી હતી.
- રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રક્ષામંત્રી સહિતના મહાનુભાવોએ વ્યકત કર્યું દુ:ખ
દુર્ઘટનાના સમાચાર બાદ દેશભરમાં શોકની લહેર છે. ભારતે એક એવી વ્યક્તિ ગુમાવી, જે ભારતની સુરક્ષામાં એક મોટુ યોગદાન આપી રહ્યા હતા. બિપિન રાવત દેશના પ્રથમ એવા વ્યક્તિ હતી જેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટથી જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવતને એક ઉત્કૃષ્ટ સૈનિક ગણાવતા કહ્યુ કે, તે એક સાચા દેશભક્ત હતા. તેમણે આપણા સશસ્ત્ર દળો અને સુરક્ષા તંત્રના આધુનિકિકરણમાં ખુબ મોટુ યોગદાન આપ્યું. સામરિક મામલા પર તેમની અંતદ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ અસાધારણ હતો. તેમના નિધનથી ખુબ મોટુ દુખ પહોંચ્યુ છે. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યુ કે, ભારતના પહેલા સીડીએસના રૂપમાં, જનરલ રાવતે રક્ષા સુધારા સહિત આપણા સશસ્ત્ર દળો સંબંધિત વિવિધ પાસાંઓ પર કામ કર્યુ. તેઓ પોતાની સાથે સેનામાં સેવા કરવાનો એક સમુદ્ધ અનુભવ લઈને આવ્યા. ભારત તેમની અસાધારણ સેવાને ક્યારેય ભૂલશે નહીં.
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ જનરલ રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. ટ્વીટ કરી રાજનાથ સિંહે કહ્યુ કે, તમિલનાડુમાં એક ખુબ દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિક નિધનથી ખુબ દુખ થયું છે. તેમનું નિધન આપણા સશ્સ્ત્ર દળો અને દેશ માટે એક અપૂર્ણીય ક્ષતિ છે. રાજનાથે કહ્યુ કે, જનરલ રાવતે અસાધારણ સાહસ અને લગનથી દેશની સેવા કરી હતી. પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતાની યોજના તૈયાર કરી હતી. આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.
- પાકિસ્તાની સેનાએ પણ વ્યકત કર્યો શોક
પાકિસ્તાની સેનાએ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું તેને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બનેલી દુર્ઘટનામાં સીડીએસ રાવતના પત્ની સહિત 13 લોકોના મોત થયા છે. આ સમાચારના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી છે. પાકિસ્તાનથી પણ લોકો સીડીએસ બિપિન રાવત અને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું હતું.
જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએસ (ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ) ભારતમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ઘટનાપૂર્ણ મૃત્યુ પર પોતાની સંવેદનાઓ જાહેર કરે છે.’ તમામ પાકિસ્તાનીઓ પણ સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર પર દુખ જાહેર કરી રહ્યા છે. એમ. નોમાન નામના એક યુઝરે લખ્યું હતું કે, સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર જાણીને હું શોકમાં છું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. તમામ લોકો પાકિસ્તાની સેનાની પણ પ્રશંસા કરી રહ્યા છે. ઈબ્રાહિમ હનીફ નામના એક યુઝરે લખ્યું હતું કે, માનવતા સૌથી પહેલા આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ દેખાડ્યું છે. અમે લોકો નફરતમાં વિશ્વાસ નથી રાખતા. મંસૂર નામના અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ માનવતાનો સંદેશો છે. જો અમારો દુશ્મન પણ પીડામાં મરે તો પણ એ જીવનું જ નુકસાન છે. માનવતાના આધાર પર આપણે આને લઈ ખુશ ન થવું જોઈએ. આપણે આપણા પાડોશી દેશના દુખમાં સહભાગી બનવું જોઈએ.
- દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું વોઇસ ડેટા રેકોર્ડર મળી આવ્યું
સીડીએસ બિપિન રાવતને લઇને જઇ રહેલાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરના કાટમાળની આ તસ્વીર છે. ગઇકાલે તામિલનાડુના કુન્નુરના પહાડી વિસ્તારમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ભારતીય વાયુસેનાના એમઆઇ-17વી5 હેલિકોપ્ટરને સૌથી સલામત અને આધુનિક માનવામાં આવે છે. ગઇકાલે સર્જાયેલી દુર્ઘટનામાં ધડાકા સાથે અકસ્માતગ્રસ્ત બનેલા આ હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા હતા. જેમાં સવાર કુલ 14 પૈકી 13 વ્યકિતના મૃત્યુ નિપજયા છે. વાયુસેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન દુર્ઘટનાની જાણકારી માટે અત્યં મહત્વના એવા હેલિકોપ્ટરનું કોકપીટ વોઇસ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે. જેના આધારે દુર્ઘટનાનું ખરૂં કારણ જાણી શકાશે.