જામનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા અને જામનગર દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરીના મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભે ગઇકાલે ગાયત્રી યજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને ઉમેદવારોની સાથે-સાથે વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જો તેમજ ભાજપાના હોદ્ેદારો, કોર્પોરેટરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને રાજપૂત સમાજના મહિલા અગ્રણી તેમજ શિક્ષિત અને સામાજિક ક્ષેત્રે કાર્યરત એવા રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેમના ચૂંટણી પ્રચાર અર્થે જામનગરના શરૂસેકશન રોડ પર એમ.પી. હાઉસ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેના પ્રારંભે રવિવારે સવારે 10 વાગ્યે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ગાયત્રી પરિવારનાની ટીમ દ્વારા યોજાયેલા આ ગાયત્રી યજ્ઞમાં 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજાએ આહુતિ અર્પી હતી. સાથો સાથો ગુજરાત ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી વસુબેન ત્રિવેદી, નગરના મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા પૂર્વમેયર અમીબેન પરીખ, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, 78- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, મીડિયા વિભાગના ઇન્ચાર્જ પી.ડી. રાયજાદા, ઉપરાંત શહેર ભાજપના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, ઉપરાંત શહેરના શ્રેષ્ઠિઓ, મહિલા આગેવાનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ અર્પી હતી. સાથોસાથ આરતીમાં પણ જોડાયા હતા.
શહેર ભાજપની ટીમ દ્વારા તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા, અને 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજાને તમામ આમંત્રિતોએ શુભકામનાઓ પાઠવી હતી. જે તમામનો ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
79-વિધાનસભાના ભાજપાના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરીના ચૂંટણી પ્રચાર અર્થે જામનગરના એસ.ટી.રોડ રોડ પર રાજ બેન્કવાળી જગ્યામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરના ગાયત્રી પરિવારના ની ટીમ દ્વારા યોજાયેલા આ ગાયત્રી યજ્ઞમાં 79-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી અને તેમના પત્ની નેહાબેન અકબરી એ આહુતિ અર્પી હતી. સાથો સાથો ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 79-વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શહેર ભાજપની ટીમ તેમજ 79-વિધાનસભા વિસ્તારના ચૂંટણીના સહ ઇન્ચાર્જ મનીષભાઈ કનખરા, નિલેશભાઈ કગથરા, અને કમલેશભાઈ સોઢા વગેરે દ્વારા તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા, અને 78- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી ને તમામ આમંત્રિતોએ શુભકામનાઓ પાઠવી હતી. જે તમામનો ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.