અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની તેજતરાર ગતિના મજબૂત તરાપાની મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી ૨૦૨૨ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને કમાણી કરનાર ટોચના ઉદ્યોગકાર તરીકે ૨૦૨૨ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે.
અદાણી ગ્રૂપના શેરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર આપવા સાથે બખા કરાવી દીધા છે, જેમાં મહાકાય સાતમાંથી ચાર સ્ટોક્સે ૨૦૦% સુધી મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગ સમૂહની કુલ માર્કેટ કેપ જે ૨૦૨૧માં રૂ.૯.૬ લાખ કરોડની હતી તેની તુલનાએ ડિસેમ્બર મધ્યે લગભગ બમણી થઈને રૂ.૧૮.૬ લાખ કરોડ થઈ ગઈ છે.
જગતભરના સૌથી ૫૦૦ ધનિક લોકોને દરજ્જો આપતા બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે ગૌતમ અદાણી ૨૦૨૨માં ૪૭ બિલિયન ડોલરથી અમીર બન્યા છે. આ યાદીમાં સૌથી નીચે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક છે, જેઓ અદાણી અને વિશ્વના નંબર ૨ કરતા અમીર હોવા છતાં આ વર્ષે ડોલર ૧૧૪ અબજ ગુમાવ્યા છે.
અમદાવાદના ૬૦ વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શ્રીમંતોની યાદીમાં તેમની અંદાજિત નેટવર્થ ડોલર ૧૨૪ બિલિયન સાથે મસ્ક (૧૫૬ બિલિયન ડોલર) અને ફ્રેન્ચના લક્ઝરી રિટેલ કિંગ બર્નાર્ડ આર્નોલ્ટ (૧૬૩ બિલિયન ડોલર) કરતાં પાછળ છે.
અમદાવાદ સ્થિત આ વૈશ્વિક અદાણી સમૂહ હવે મીડિયા બ્રોડકાસ્ટર NDTVનું સંપાદન પૂર્ણ કરવાના આખરી તબક્કામાં છે. વર્ષના આરંભમાં અંબુજા સિમેન્ટ અને ACC ખરીદીને ભારતની તે બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બની હતી.
એશિયાના હીરોઝ ઓફ ફિલાન્થ્રોપી ૨૦૨૨ ની યાદીમાં પણ ગૌતમ અદાણી સમાજ કલ્યાણના કાર્યો માટે શિરમોર સ્થાન પર રહ્યા છે.. ગત જૂનમાં તેઓ ૬૦ વર્ષના થયા ત્યારે ૬૦૦ અબજ રૂપિયા (7.7 બિલિયન ડોલર)નું વચન આપ્યું હતું, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ઉદાર પરોપકારીઓમાંના એક બન્યા હતા. આ નાણાંનો ઉપયોગ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવા તેમણે સંકલ્પ કર્યો છે.
૧૯૭૮ની સાલમાં દક્ષિણ મુંબઈની કૉલેજમાંથી બહાર નીકળેલા આ ગુજરાતી યુવા ઉદ્યોગ સાહસિકે અદાણી એક્ષપોર્ટ શરૂઆત કરતા અગાઉ મુંબઇની ધનજી સ્ટ્રીટમાં હીરાના નાના વેપારી તરીકે તેમની વેપાાર-વણજની સફર શરૂ કરી હતી, પાછળથી અદાણી એક્ષપોર્ટસનું નામકરણ અદાણી એન્ટરપ્રાઈઝ તરીકે કરવામાં આવ્યું હતું.