જામનગર શહેરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તાર નજીકથી પસાર થતી ગેસલાઈનમાં શુક્રવારે બપોરના સમયે લીકેજ થતા ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેસલાઈનનો પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસલાઈનનો પુરવઠો બંધ થતા બપોરનો સમય હોય શહેરના પાર્ક કોલોની, સ્વસ્તિક સોસાયટી સહિતના વિસ્તારોમાં અનેક પરિવારો મુશ્કેલીમાં મૂકાયા હતાં અને અનેક ઘરોમાં બપોરની રસોઇમાં વિક્ષેપ પડયો હતો.
જામનગર શહેરમાં વાલ્કેશ્વરી વિસ્તારમાંથી પસાર થતી ગેસલાઈન લીકેજ થવાની ઘટના બની હતી. શુક્રવારે બપોરના સમયે વિસ્તારમાંથી પસાર થતી ગેસલાઈન લીકેજ થવાથી જાણ થતા જ ગેસ કંપનીના કર્મચારીઓ તાકીદે સ્થળ પર દોડી ગયા હતાં અને આ લીકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસ લાઇન લીકેજને પરિણામે સ્થળ પર ગભરાટનો માહોલ છવાયો ગયો હતો. ગેસ કંપનીના કર્મચારીઓએ તાકીદે પહોંચી જઈ ગેસરપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. અને તાબડતોબ ગેસ લીકેજીંગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસ લીકેજનું સમારકામ ચાલુ હોય જેને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે ગેસ પૂરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગેસ લાઈન લીેકેજ અને સમારકામ કામગીરીના કારણે ગેસ પુરવઠો બંધ કરવામાં આવતા અનેક પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતાં. જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી, પાર્ક કોલોની, વાલ્કેશ્વરી, ગુરૂદ્વારા, લીમડાલાઈન સહિતના વિસ્તારોમાં ગેસ પૂરવઠો બંધ થતા દેકારો બોલી ગયો હતો. ખાસ કરીને બપોરનો સમય હોય ગેસ પૂરવઠો બંધ થતા અનેક પરિવારોમાં ગૃહિણીઓની બપોરની રસોઇ અધવચ્ચે અટકી પડી હતી. રસોઇમાં વિક્ષેપ પડતા ગૃહિણીઓમાં રોષની લાગણી છવાઈ હતી અને તેના પરિણામે આ વિસ્તારમાં આવેલા હોટલો-રેસ્ટોરન્ટ તેમજ ઘરોમાંથી ગેસ કંપનીની ઓફિસમાં ફોન રણકી ઉઠયા હતાં. ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેસ લીકેજનું સમારકામ પૂર્ણ થયા બાદ ફરીથી પૂરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.